વડોદરા, તા.૨૦

શહેર નજીક સોખડા હરિધામ ખાતે ચાલતા ગાદીનો વિવાદ હવે ભક્તોના દરબારમાં પહોંચ્યો છે. બંને જૂથના હરિભક્તો એકબીજાને દેખાડી દેવાના મૂડમાં આવી ગયા છે. ત્યારે આ ઉગ્ર રોષ ગમે ત્યારે લોહિયાળ જંગનું સ્વરૂપ ધારણ કરે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે પ્રબોધસ્વામીના ભક્તોએ આણંદમાં અને પ્રેમસ્વરૂપસ્વામીના ભક્તોએ કરજણમાં સમાંતર કાર્યક્રમ યોજી મૂર્તિની પધરામણી કરતાં સાચા હરિભક્તોમાં હરિપ્રસાદ સ્વામી વિસરાયા હોવાની લાગણી ભારે દુઃખ સાથે વ્યાપી છે.

હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ હરિભક્તો અને સંતોની સંમતિથી પ્રબોધસ્વામી અને પ્રેમસ્વરૂપસ્વામીને સંયુક્ત રીતે ગાદીપતિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી. જાે કે, એ વખતે બંને જૂથના ભક્તોમાં ભારોભાર અસંતોષ વ્યાપ્યો હતો જેને હવે ઉગ્ર સ્વરૂપ પકડી લીધું છે અને કોઈનું નિયંત્રણ ન હોય એમ બંને જૂથો પોતાપોતાની રીતે વર્તી રહ્યા છે અને એકબીજાને નીચા દેખાવડા માટે સમાંતર કાર્યક્રમો યોજી રહ્યા છે.

શનિવારે સોખડા ખાતે પ્રાદેશિક સંતોની હાજરીમાં પ્રેમસ્વરૂપ સ્વામીના મનાતા જૂથ દ્વારા એક બેઠક બોલાવાઈ હતી જેમાં એક જ જૂથને ફાયદો થાય એવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ બેઠકમાં તમામ પ્રાદેશિક સંતો અને પ્રમુખોની બનેલી કમિટીને વિખેરી નાખવામાં આવી હતી અને રોજેરોજના વહીવટ માટે ૮ જણાની નવી સમિતિ બનાવાઈ હતી. આ બેઠકમાં જે ૮ જણાની નિમણૂક કરવામાં આવી છે તે તમામ પ્રેમસ્વરૂપસ્વામીના સમર્થકો માનવામાં આવે છે. આ બેઠકમાં જ પ્રાદેશિક સંતો અને પ્રમુખોને અન્ય પ્રદેશોમાં જવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો હતો.

દરમિયાન આજે બંને જૂથના હરિભક્તોએ શક્તિપ્રદર્શન કરતા હોય એમ જુદા જુદા સ્થળોએ સમાંતર કાર્યક્રમો યોજ્યા હતા. જેમાં કરજણ ખાતે પ્રેમસ્વરૂપસ્વામીના સમર્થકોએ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સભાનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર લાઈવ નિદર્શન પણ કરાયું હતું.

બીજી તરફ આણંદ નજીકના બુડિયા ગામે પ્રબોધસ્વામીના સમર્થકોએ પણ આજે રવિવારે જ મોટો કાર્યક્રમ યોજ્યો હતો, જેની આમંત્રણ પત્રિકામાં હરિપ્રસાદ સ્વામીનું નામ લખી એમના આશીર્વાદ અને પ્રેરણાથી ચૈતન્ય મહીંરસમ આત્મીય સમાજ તથા યુવા સમાજના ઉત્થાન અર્થે ઘર મંદિરમાં પ્રબોધસ્વામી મહારાજની મૂર્તિઓનો પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો હતો. પરંતુ હરિપ્રસાદ સ્વામીની તસવીર આમંત્રણ પત્રિકામાં છાપવામાં આવી ન હતી. આમ ગાદી માટે જંગે ચઢેલા બંને જૂથો વચ્ચે ખટરાગ એટલો વધી ગયો છે કે ગમે ત્યારે હિંસક અથડામણ પણ થઈ શકે છે. ગાદી મેળવવા માટે તત્પર બંને જૂથો હરિપ્રસાદ સ્વામીને પણ બાજુએ મુકી દીધા હોવાથી સાચા હરિભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ છે.

શનિવારની મિટિંગ બીજાે કાળો દિવસ ઃ મેસેજ વાયરલ

પ્રબોધસ્વામી એ જાતે જ પોતા પર જે હુમલો થયો હતો એની સ્પષ્ટતા કરી. અને વધારે સ્પષ્ટતા કરવા એ પ્રસંગના સાક્ષી અનિલ અને વિજયને પણ ત્યાં બોલાવ્યા. એ બંને સેવકોએ પણ બધા વચ્ચે એ બનાવ અંગે સ્પષ્ટતા કરી ત્યાગ સ્વામીના કહેવાથી સરલ સ્વામીએ સભામાં બધા વચ્ચે પ્રબોધસ્વામીની માફી માંગવાનો દેખાવ કર્યો. ભેટવાનો દેખાવ કર્યો. અડધો કલાક બાદ સરલ સ્વામી સેવકો સાથે મજાકીયા ટોનમાં વાત કરતાં નજરે ચડી ગયા. બનેલા પ્રસંગનો કોઈ અફસોસ હોય એવું એના ચહેરા પર દેખાતું નહોતું પ્રેમસ્વામી પક્ષના ભક્તોએ ત્યાગસ્વામીને આપેલી સ્ક્રિપ્ટ મુજબ એક તરફી નિવેદનો આપ્યા હતા. રાજુ ભાઈ દેસાઈએ તો ભર સભામાં સંતો તરફ આંગળી ચીંધી આરોપ નાખતા કહ્યું કે તમે લોકોએ જ મારા સ્વામીજી અને બેનને મારી નાખ્યા છે. સંતોએ પ્રબોધ સ્વામીના પક્ષના હરિભક્તો જે બહારથી પધારે છે એના પર જે બાઉન્સર દ્વારા ટોર્ચર કરવામાં આવે છે એમનો સામાન ચેક કરવામાં આવે છે. પ્રબોધસ્વામીએ સભામાં પ્રેમ સ્વામીને પૂછ્યું કે આ સામાન ચેક થાય છે અને પોતાની રીતે અમુક માણસોની અવરજવર થાય છે એ કોની આજ્ઞાથી થાય છે? શું આપે આ બધા વ્યક્તિઓને સામાન ચેક કરવાનો અધિકાર આપ્યો છે? આ વાત ત્રણ વાર પ્રેમસ્વામીનું નામ લઈને પૂછી ત્યારે પ્રેમસ્વામી કોઈ જવાબ આપી ન શક્યા અને જાણે ત્યાગસ્વામીને પૂછતા હોય કે હું શું જવાબ આપુ એવી રીતે ત્યાગ સ્વામી તરફ જાેવા લાગ્યા. પ્રેમ સ્વામીના પક્ષ તરફથી આવતા કોઈપણ હરિભક્તોને ટોર્ચર કરવામાં આવ્યા નથી કે એમનો સામાન ચેક કરવામાં આવ્યું નથી. માત્ર ને માત્ર પ્રબોધસ્વામી પક્ષના ભક્તને જ ટાર્ગેટ કરીને ટોર્ચર કરવામાં આવે છે. સમાજમાં પોતાનું સારું દેખાય એ માટે આગલા દિવસે પોતાના પક્ષના ભક્તોને બોલાવી ધુળેટીની ઉજવણી કરી. અને બીજા દિવસે એક પક્ષીય મિટિંગ કરી એવો માહોલ ઊભો કર્યો.

પૂનમબેન-વિનોદભાઈ વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થયું

સોશિયલ મીડિયા ઉપર બંને જૂથો વચ્ચે શરૂ થયેલી મેસેજની વૉરમાં આજે પ્રેમસ્વરૂપ સ્વામી તરફી મહિલા પૂનમબેન અને વિનોદભાઈ વચ્ચેની ટેલિફોનિક વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું. જેમાં વિનોદભાઈને શનિવારની મિટિંગમાં શું થયું એ અંગે પૂનમબેને પૂછતાં કાંઈ નહીં, આ બધા જાડી ચામડીના છે. કોઈ નિર્ણય લેવાયો નથી. કોઈ સહી કરતું નથી. કોઈ માનવા તૈયાર નથી. કોઈ રિઝલ્ટ આવ્યું નથી. બધી ગોળ ગોળ વાતો કરે છે. બે-ત્રણ મહિના પછી પાછી મિટિંગ બોલાવશે.જેના જવાબમાં પૂનમબેન એવું કહે છે કે આનો એક જ રસ્તો કરાય. બીજું કાંઈ જ ના કરાય. એમને જેટલું કૂદવું હોય જેટલું ફરવું હોય, જેટલું કરવું હોય એ કરવા દેવાય. આપણે બધા એકઠા થઈ જે પ્રદેશમાં જ્યાં પણ પ્રેમ સ્વામીની સભા હોય ત્યાં પાંચ હજારનો ટાર્ગેટ હોય તો સાત હજાર લોકો ભેગા થવાનું. સાતનો ટાર્ગેટ હોય તો ૧૦ હજાર ભેગા થવાનું. એ લોકો જેટલા આપડા પ્રેમસ્વામીના કપડાં ઉતારે એટલા આપડે ઢાંકવાના, આપડે હવે બીવાની જરૂર નથી. હવે ખુલ્લેઆમ પ્રેમસ્વરૂપ સ્વામીનો સ્વીકાર કરી લો, જ્યાં જઈએ ત્યાં કહેવાનું. પ્રેમસ્વરૂપને બેસાડો, બીજું અમને કાંઈ ના જાેઈએ. આવો વીડિયો વાયરલ થયો છે.