દિલ્હી-

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પોતાનો કહેર બતાવ્યા બાદ તાઉ તે વાવાઝોડાની અસર ઓછી થઈ ગઈ છે. બંને રાજ્યોમાં આ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, પરંતુ વાવાઝોડું નબળું થયા બાદ આની અસર દિલ્હી અને ઉત્તર ભારતના રાજ્યોમાં જાેવા મળી રહી છે. દિલ્હી સહિત એનસીઆરના વિસ્તારોમાં બુધવારથી જ વરસાદ થઈ રહ્યો છે, જે સતત ચાલું છે. વરસાદના કારણે તાપમાને પણ ગુલાંટી મારી, આવામાં વાવાઝોડાના કારણે વરસાદ જલદી આવવાના એંધાણ વર્તવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે મેમાં દિલ્હીમાં ૩૫ વર્ષ બાદ આટલો વરસાદ થયો છે. દિલ્હીના સફદરજંગમાં ૨૪ કલાકમાં ૧૧૯.૩ મિલીમીટર વરસાદ થયો છે.

અરબ સાગરમાંથી ઉદ્ભવેલું વાવાઝોડું તાઉ તે પશ્ચિમી રાજ્યોમાં અસર દેખાડ્યા બાદ ઉત્તર ભારત પહોંચતા ધીમું થયું તો વરસાદ આવવા લાગ્યો. બુધવાર સવારથી શરૂ થયેલો વરસાદ ગુરૂવાર સુધી ચાલું રહ્યો. સ્થિતિ એ છે કે દિલ્હીમાં ગઇકાલે મહત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી સુધી ગયું, જે મે ૧૯૫૧ બાદ મેના દિવસમાં રેકૉર્ડ થયેલું સૌથી ઓછું મહત્તમ તાપમાન છે. ભારતીય હવામાન વિભાગે પણ આની પુષ્ટિ કરી છે કે વાવાઝોડું તાઉ તેના કારણે જ દિલ્હી, એનસીઆર અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં હવામાને અચાનક વળાંક લીધો છે.

રાજસ્થાન, યૂપી, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં થયેલા વરસાદ પાછળ તાઉ તે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મેળ ખાવો છે, જેના કારણે સતત વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યું હતુ કે તાઉ તેના કારણે આ વર્ષે ચોમાસા પર કોઈ ફર્ક નહીં પડે, કેમકે વાવાઝોડું આવવા અને ચોમાસાના સમયમાં કંઇક અંતર છે. આવામાં આ વર્ષે પણ કેરળમાં ચોમાસું ૧ જૂન સુધી આવી શકે છે. જાે કે આ ૩૦ અથવા ૩૧ મે સુધી આવવાની પણ સંભાવના છે, પરંતુ ઉત્તર ભારતમાં જે અત્યારે વરસાદ થયો તેની પાછળ પ્રી-મોનસૂન અને તાઉ તે જ મહત્વનું કારણ છે.