અમદાવાદ-

રાજ્યમાંથી મેઘરાજાએ છેલ્લા બે સપ્તાહથી વિરામ લઈ લીધો છે. રાજ્યમાં હજી સુધી 12.26 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 37.09 ટકા વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની 48 ટકા ઘટ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા છે. તો રાહતની વાત એ છે કે, રાજ્યમાં હવે ફરી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આગામી ગુરૂવારથી શનિવાર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 19 ઓગસ્ટે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમ જ દિવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રોમાં ભારે ચિંતાનો વધારો જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ ફરી ચોમાસું સક્રિય થઈ શકે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આ વરસાદ વરસશે અને તે પણ મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. જોકે, 18-20 ઓગસ્ટ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ વરસી શકે છે.