બારડોલી-

બારડોલીના શિવાજી ચોક ખાતે કાર્યરત આઈ.એમ.હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગ્રીન એપલ અને ગેલેક્સી કોવિડ સેન્ટર કોરોના પોઝિટિવ દર્દીઓ માટે રાતદિવસ કાર્યરત છે. આ સેન્ટરમાં બારડોલી અને આજુબાજુના વિસ્તારના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. તેમને એકલતા ન લાગે અને માનસિક તણાવમાં ન આવી જાય તે માટે અહીંના તબીબો અને સ્ટાફ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. હોસ્પિટલમાં સેવા આપતાં ડોક્ટર ભાવિનકાંત ચૌધરી દ્વારા સંગીત થેરાપી અને અન્ય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ સતત કરાવવામાં આવી રહી છે. ત્યારે હાલ નવરાત્રિ ચાલી રહી હોય કોવિડ સેન્ટરમાં જ સ્ટાફ અને દર્દીઓ દ્વારા માતાજીનું સ્થાપન કરી આરતી અને ગરબા દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. કોરોનામાં હોસ્પિટલમાં દર્દીઓએ પરિવારથી દૂર રહેવું પડતું હોય છે. પરિવારના કોઈ સભ્યો ન હોવાથી દર્દીઓ માંદગીના સમયે એકલતાનો અનુભવ કરે છે. ઘણી વખત તેઓ તણાવમાં ગરકાવ થઈ જતાં હોય છે. જેને કારણે તેમની હાલત ખરાબ થવાની સંભાવના રહેલી છે. ત્યારે આ કોવિડ સેન્ટરમાં તબીબો દ્વારા સંગીત થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સેવા આપતાં ડોક્ટર ભાવિનકાંત ખુદ ફિલ્મી ગીતો ગાઈને દર્દીઓને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યાં છે.