વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં સતત બે દિવસ કમોસમી વરસાદ બાદ આજે ત્રીજા દિવસે વાદળિયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા છાંટાને બાદ કરતાં વરસાદે વિરામ પાળ્યો હતો. પરંતુ ઠંડા પવન ફૂંકાતાં શહેર ઠંડુંગાર બનતાં હિલસ્ટેશન જેવો માહોલ અનુભવાયો હતો. આવતીકાલે આંશિક વાદળિયા માહોલ વચ્ચે ઉઘાડ નીકળે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં અચાનક પલટો આવતાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદને પગલે શિયાળુ પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સતત બે દિવસ કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ યથાવત્‌ રહ્યો હતો. જાે કે, છૂટાછવાયા હળવા છાંટાને બાદ કરતાં વરસાદ થયો ન હતો. પરંતુ શહેર ઠંડુંગાર બનતાં હિલસ્ટેશન જેવો માહોલ અનુભવાતાં લોકો ઠૂંઠવાયા હતા.

જાે કે, શુક્રવારની સરખામણીમાં આજે મહત્તમ તાપમાનનો પારો ઊંચો ગયો હતો. પરંતુ ઠંડી યથાવત્‌ રહી હતી. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન રપ.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ પ૪ ટકા જે સાંજે ૭૭ ટકા અને હવાનું દબાણ ૧૦૧ર.ર મિલિબાર્સ તેમજ ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના પ કિ.મી. નોંધાઈ હતી.