ઇડર : સાબરકાંઠા જિલ્લા સહીત સમગ્ર રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લાના ખેડબ્રહ્મા , વડાલી , વિજયનગર શહેર સ્વયંભુ બંધ રહ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વયંભુ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે.હિંમતનગર તાલુકાના હાથરોલ ગામમાં કોરોનાનું સંક્રમણ વધતા ગામમાં સ્વંયભુ સાત દિવસ માટે બંધ પાળવામાં આવ્યો છે તેનું પરિણામ પણ મળ્યું છે. 

સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે.અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં ૯૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. જિલ્લામાં પ્રથમ ખેડબ્રહ્મા , વડાલી , વિજયનગર શહેર એક સપ્તાહ સુધી સ્વયભું બંધ રાખવાનો ર્નિણય કરાયો હતો બાદમાં ગ્રામ્ય પંથકમાં પણ કોરોના સંક્રમણ વધવાને લઇ ગ્રામજનોએ જાગૃતતા દર્શાવી ગામને સાત દિવસ માટે સ્વયંભૂ બંધ રાખ્યું છે.હિંમતનગર તાલુકાના હાથરોલ ગામમાં કોરોના સંક્રમણ વધવાને લઇ ગામના આગેવાનો સરપંચ અને પંચાયતના સભ્યોએ ભેગા મળી કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ગામમાં સાત દિવસનો સ્વયભું બંધ રાખવાનો ર્નિણય કર્યો હતો. જેમાં તમામ ગ્રામજનોએ સહમતી દર્શાવતા ગામએ સાત દિવસ માટે બંધ પાળ્યો છે.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ હાથરોલ ગામમાં આશરે ૨૦૦૦ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલું છે.ગામમાં ૧૬ જેટલા લોકો અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે અને અત્યારે હાલમાં ૩ લોકો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે.કેટલાક સ્થાનિક લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.આગામી સમયમાં વધુ લોકો સંક્રમિત ન થાય એને ધ્યાને લઇ ગામને સાત દિવસ માટે સ્વયંભુ બંધ રાખવનો ર્નિણય લેવામાં આવ્યો છે.ગામમાં માત્ર સાંજે ૨ કલાક માત્ર આવશ્યક સેવાઓ માટે જ છૂટ આપવામાં આવી છે.ખેતી સાથે સંકળાયેલા લોકો અને જીવન જરૂરિયાતની સાધન સામગ્રી માટે  સાંજે બે કલાકમાં ખેતી કરવા માટે જ ઘરની બહાર આવતા હોય છે.