વડોદરા

સહિયર (સ્ત્રી સંગઠન) દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગ રુપે કિશનવાડી, શાક માર્કેટ ચાર રસ્તા પાસે માનવ સાંકળ, પોસ્ટર પ્રદર્શન, સૂત્રોચ્ચાર, અને ગીતો દ્વારા માનવ અધિકાર એ આપણા સૌનો અધિકાર છે તે વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ જેટલી બહેનો અને કિશોરીઓ જાેડાયા. ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર એ સ્ત્રી હિંસા વિરોધી સક્રિયતાના ૧૬ દિવસની ઝુંબેશ સ્ત્રીઓના માનવ અધિકાર માટેની વૈશ્વિક ઝુંબેશનો એક ભાગ છે. દર વર્ષે “સ્ત્રીઓના અધિકાર માનવ અધિકાર છે અને સ્ત્રીઓ પરની હિંસા એ માનવ અધિકારનો ભંગ છે” આ વાતને પ્રકાશમાં લાવવા માટે દુનિયાભરની સ્ત્રીઓ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરે છે. સહિયર ( સ્ત્રી સંગઠન) દ્વારા હિંસા વિરોધી પખવાડામાં વિવિધ સ્લમ વિસ્તારોમાં જાગૃતતા કેળવવા માટે “છેડતી” વિષય પર શેરી નાટક ભજવવામાં આવ્યું હતું. તે સિવાય માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગરુપે કિશનવાડી, શાક માર્કેટ ચાર રસ્તા પાસે માનવ સાંકળ, પોસ્ટર પ્રદર્શન, સૂત્રોચ્ચાર, અને ગીતો વડે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.