વડોદરા : વડોદરા સહીત રાજ્યની છ મહાનગર પાલિકાઓની આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા એક જ દિવસે તમામે તમામ છ મહાનગર પાલિકાના તમામ વોર્ડના ઉમેદવારોની યાદી એક જ દિવસે જાહેર કરવામાં આવી છે. જેમાં વડોદરા મહાનગર પાલિકાના ૧૯ ઈલેક્શન વોર્ડની ૭૬ બેઠકોને માટેના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ખુદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા હતા. એનો સરેઆમ ભંગ કરવામાં આવ્યાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. જ્યાં સુધી વડોદરાને લાગેવળગે છે ત્યાં સુધી વડોદરામાં ભાજપ દ્વારા જુના ચૂંટાયેલા પૂર્વ કાઉન્સિલરો પૈકી ૧૪ને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં નેતાઓના સગાઓને ટિકિટ આપવાના નિયમનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. જેને લઈને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઘડી કાઢવામાં આવેલા નિયમોમાં પક્ષ દ્વારા જ અભી બોલા અભી ફોક જેવું વર્તન કરવામાં આવતા ઘણાને આશ્ચર્ય થવા પામ્યું છે. તેમજ આ મુદ્દાને લઈને કેટલેક ઠેકાણે કાર્યકરોમાં વ્યાપક અસંતોષની લાગણી પ્રગટ થવા પામી છે. જેઓએ પક્ષની આવી વિરોધાભાસી નીતિરીતી સામે વ્યાપક પ્રમાણમાં રોષ વ્યક્ત કર્યો છે. આજે સાંજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો.વિજય શાહ દ્વારા પક્ષના મનુભાઈ ટાવર સ્થિત કાર્યાલય ખાતે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ટિકિટ મેળવનારાઓએ ખુશી વ્યકત કરી હતી. તો જેઓને વંચિત રાખવામાં આવ્યા હતા તેઓ દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરાયો હતો. આને કારણે પક્ષનું કાર્યાલય સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું. ખાસ કરીને માંજલપુર વિસ્તારના ઉમેદવારની પસંદગી બાબતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે જાહેર કરાયેલ મોટાભાગના ઉમેદવારો શુક્રવારે સવારે વાજતે ગાજતે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરનાર છે. એમ પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.

પૂર્વ કાઉન્સીલરોમાંથી કયા મોટા માથાઓની ટીકીટ કપાઈ

વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ શાસક પક્ષના પૂર્વ કાઉન્સિલરો અને નેતાઓ પૈકી જે જે મહત્વના નેતાઓની અને કાઉન્સીલરોની ટીકીટ કપાઈ છે. એમાં મેયર ડો.જિગિષાબેન શેઠ, ડેપ્યુટી મેયર ડો.જીવરાજ ચૌહાણ, પાલિકાના શાસક પક્ષના પૂર્વ નેતા કેતન બ્રહ્મભટ્ટ, પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલ(મુક્તિ), હસમુખ પટેલ, પરષોત્તમ હેમનાની, રમેશ પરમાર(રાજા), અજિત મનુભાઈ પટેલ, ધર્મેન્દ્ર પંચાલ, રાધિકા ભટ્ટ, કંચનબેન રાય, ભાવનાબેન શેઠ, ચૈતન્ય મકરંદ દેસાઈ, પૂર્વ મેયર ડો.ભારત ડાંગર, વોર્ડ ૧૩ની પેટ ચૂંટણીમાં વિજેતા બનેલ ગોપાલ ગોહિલ, ચંદ્રકાન્ત ઠકકર, વિજય પાવર, દિપક માધુભાઈ શ્રીવાસ્તવ, શૈલેષ મહેતા(સોટ્ટા), જૈમિન અમીનનો સમાવેશ થાય છે. આમ વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં વિજેતા બનેલા અનેક કાઉન્સીલરોનું પત્તુ કપાઈ ગયું છે. જેમાં ગત ટર્મના બંને મેયરોનું પત્તુ કપાતા ઘણાને ઝાટકો લાગ્યો છે. જે પૈકી એકનું ઉંમરને કારણે પત્તુ કપાયું છે. જે પક્ષના નિયમોને આધારે ડો.જિગીષાબેન શેઠને પુનઃ ટીકીટ ફાળવવામાં આવી નથી.

પાલિકાના પૂર્વ કાઉન્સીલરોમાંથી કોણ કોણ રીપીટ થયા?

વડોદરા મહાનગર પાલિકાના શાસક પક્ષ ભાજપના પૂર્વ કાઉન્સીલરોમાંથી જેઓને પુનઃ ટીકીટ આપવામાં આવી છે. એમાં પાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલને વોર્ડ-૧માંથી, ડો.રાજેશ શાહને વોર્ડ-૩માંથી, અજિત દધીચને વોર્ડ-૪માંથી, તેજલ વ્યાસને વોર્ડ-૫ માંથી, જયશ્રીબેન સોલંકી અને હેમિષા ઠક્કર વોર્ડ છમાંથી,નીતિન દોંગાને વોર્ડ-૧૦માંથી,મનીષ પગારને વોર્ડ-૧૨માંથી, જેલમબેન ચોકસીને વોર્ડ-૧૪માંથી,પૂનમબેન શાહને વોર્ડ-૧૫માંથી, સંગીતાબેન પટેલ અને નિલેશ રાઠોડને વોર્ડ-૧૭માંથી કલ્પેશ પટેલ(જય રણછોડ)ને વોર્ડ -૧૮ માંથી અને અલ્પેશ લીંબાચીયાને વોર્ડ-૧૯માંથી રીપીટ કરવામાં આવ્યા છે. આમ ભાજપ દ્વારા ૧૯ પૈકી ૧૨ વોર્ડના કેટલાક ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૬ અને ૧૭માં બબ્બે મળી ચારને તથા વોર્ડ નંબર ૧,૩,૪,૫,૧૦,૧૨,૧૪,૧૫.૧૮ અને ૧૯ માંથી એક એક મળીને દશ પૂર્વ કાઉન્સિલરને રીપીટ કરવામાં આવ્યા છે. આમ કુલ ૧૪ કાઉન્સીલરોને રીપીટ કરાયા છે.

સાંસદના બહેન અને વાઘોડિયાના ધારાસભ્યના પુત્રને સગાંવાદના ધોરણે ટીકીટ કેમ નહિ?

વડોદરા મહાનગર પાલિકાની આગામી ચૂંટણીઓમાં પ્રદેશ ભાજપ દ્વારા પોતે જ ઘડેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એક તરફ વડોદરામાં સગાંવાદના ધોરણે પોતેજ ઘડેલ નિયમોનું ઉલ્લંઘન કરીને પાંચ પાંચ ઉમેદવારોને વિવિધ વોર્ડમાં ટીકીટો આપવામાં આવી હતી .જયારે બીજી તરફ આજ ધોરણે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના બેન અને પાલિકાના વોર્ડ બેના પૂર્વ કાઉન્સિલર પ્રવિણાબેન કમલેશભાઈ દેસાઈ (પન્નાબેન)ને ટીકીટ આપવામાં આવી નથી.આ ઉપરાંત વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર અને પાલુકાના વોર્ડ પંદરના પૂર્વ કાઉન્સિલર દિપક શ્રીવાસ્તવને ટીકીટ આપવામાં આવી નથી. જેને લઈને પક્ષના સંનિષ્ઠ કાર્યકરોમાં સગાંવાદમાં ટિકિટના મામલે એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિરીતી સામે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. આ ઉપરાંત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા -સોટ્ટાએ પોતાના પુત્રને માટે ટીકીટ માગી હતી.પરંતુ એ ન માલ્ટા ભારે પરસેવો પાડીને પોતાના સંનિષ્ઠ કાર્યકરને માટે ટીકીટ મેળવવામાં તેઓ સફળ રહ્યા હતા.