વડોદરા,તા.૧૯  

વડોદરા પાલિકાના સમગ્ર તંત્રને ખિસ્સામાં લઈને ફરતા બાલાજી બિલ્ડરના સર્વેસર્વા આશિષ શાહ દ્વારા ઓડનગરની કાંસ પરની દીવાલ બાબતે મેયરને મૌખિક ખાત્રી અપાઈ ત્યારે પાલિકા કમિશ્નરને લેખિત ખાતરી આપવાની કરાયેલી વાત પછીથી હજુ આજે પણ પાલિકાના કમિશ્નર પાસે લેખિત ખાતરીની નકલ પહોંચી નથી.બિલ્ડરના બચાવનામામાં આવેલ પાલિકાના કમિશ્નર નલિન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કદાચ બિલ્ડરની લેખિત ખાતરી ટપાલમાં આવી હોય તો મને ખબર નથી.પરંતુ સુધી હજુ સુધી એ ટપાલ મારી પાસે આવી નથી.આમ ઓડનગરની કાસના મામલે બાલાજીની લેખિત ખાતરી હજુ પાલિકામાં અધ્ધરતાલ રહેવા પામી છે. જેને લઈને પાલિકા તંત્ર શંકાના ઘેરાવામાં આવી ગયું છે.

ઉલ્લેખનીય છે કે,વડોદરા પાલિકાના શાસકો,તંત્ર,કલેક્ટર અને ભાજપના તંત્રને ખિસ્સામાં લઈને ફરતા અને શહેરની મોકાની જગ્યાઓ ઉપર ડોળો નાખ્યા પછીથી પાણીના મુલે પોતાની ગોઠવણવાળી શરતો સાથે પડાવી લેનાર બાલાજી ગ્રુપ દ્વારા દાદાગીરીથી ઓડનગરની કાંસ પર દીવાલ ચણી દેવામાં આવી હતી.જેની સામે આસપાસની સોસાયટીઓના રહીશો દ્વારા ભયાનક પૂર અને પાણીના ભરાવાનો ભય વ્યક્ત કરીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.જેને લઈને પાલિકા દ્વારા મને કમને બાલાજી બિલ્ડરને નોટિસ ફટકારવામાં આવી હતી.તેમજ પાલિકાના વોર્ડની કાર્યપાલક ઇજનેરના વડપણ હેઠળની ટિમ દ્વારા બીજા દિવસે જેસીબી લઈ જઈને દીવાલને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી.

આ બાબતે પાલિકામાં ઉધઈની માફક પ્રસરેલા ભ્રષ્ટ તત્વોને ખાધેલું ઓકવાનો વારો આવ્યો હતો.ચૂંટણીના વર્ષમાં પ્રજાની નારાજગીને સર્વોપરી ગણી કાર્યવાહી કરાયા પછીથી નાટયાત્મક રીતે બાલાજીના સર્વેસર્વા આશિષ શાહ દ્વારા મેયર ડો.જિગીષાબેન શેઠને મળીને કાંસ પર દીવાલ નહિ બાંધવાની “મૌખિક” બાંહેધરી આપવામાં આવી હતી.એની સાથોસાથ આશિષ શાહે વિવાદાસ્પદ કાસની જગ્યા હાલ તો કાયમી ધોરણે ખુલ્લી રાખવાને માટે જે મૌખિક ખાત્રી મેયરને આપી હતી એની લેખિત ખાત્રી પાલિકાના કમિશ્નર નલિન ઉપાધ્યાયને આપવાની વાત કરી હતી.આમ ઓડનગરની જગ્યા બાબતે બાલાજી બિલ્ડરને નમતું જોખવાનો વારો આવ્યો હતો.તેમજ આખરે આસપાસની સોસાયટીના દીવાલને લઈને અસરગ્રસ્ત થનાર લોકોનો પ્રચંડ વિજય થયો હતો.પરંતુ મેયરને મૌખિક ખાત્રી આપવાને માટે ઉતાવળા બનેલા બાલાજી બિલ્ડરવાળા કમિશ્નરને લેખિત ખાત્રી આપવાને માટે એટલા ઉતાવળા બન્યા હોય એમ લાગતું નથી.જેને લઈને આ બાબતે પાલિકાના કમિશ્નરે જણાવ્યું હતું કે, મેયરે મને બાલાજીવાળા બિલ્ડર હવે ઓડનગર કાંસ પર દીવાલ બનાવશે નહિ એવી લેખિત ખાત્રી આપી છે.એમ જણાવ્યું હતું.તેમજ આ બાબતે લેખિતમાં પણ આપશે એવો ઉલ્લેખ કર્યો હતો.પરંતુ હજુ સુધી આવી કોઈ લેખિત ખાત્રી મારી પાસે આવી નથી.કદાચ ટપાલમાં આવી હોય તો એની મને જાણ નથી.જો લેખિત આવ્યું હશે તો મારી પાસે આવશે.