નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે માર્ચ મહિનામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરની શ્રેણીમાં પોતાની જમીન પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ માટે આઈસીસીએ તેને માર્ચ મહિનાના 'પ્લેયર ઓફ ધ મંથ' શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કર્યા છે. ભુવીએ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં ૪.૬૫ ની સરેરાશથી ૬ વિકેટ ઝડપી હતી, જ્યારે તેણે પાંચ મેચની ટી-૨૦ સિરીઝમાં ૪ વિકેટ લીધી હતી અને તેની સરેરાશ ૬.૩૮ હતી.

ભુવનેશ્વર કુમારે આઇસીસી દ્વારા જાહેરાત કર્યા બાદ જણાવ્યું છે કે લાંબા અને દર્દનાક બ્રેક બાદ ભારત માટે ફરી રમીને આનંદ થયો. આ સમયે પોતાની ફિટનેસ અને ટેકનિક પર ઘણું કામ કર્યું. ભારત માટે ફરી વિકેટ ઝડપી સારૂં લાગે છે. તેણે કહ્યું કે આ સફરમાં શરૂઆતથી મારી સાથે રહેલા તમામ વ્યક્તિઓનનો આભાર માનું છું. મારો પરિવાર, મિત્રો અને સાથી ખેલાડીઓ. આઇસીસી વોટિંગ એકેડમી અને માર્ચ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે મને પસંદ કરવા માટે મત આપનાર તમામ ચાહકોનો ખાસ આભાર.

ભુવનેશ્વર આ એવોર્ડ મેળવનારો સતત ત્રીજો ભારતીય ક્રિકેટર બન્યો. જાન્યુઆરીમાં પ્રથમ ઇનામ વિકેટકિપર બેટ્‌સમેન ઋષભ પંતે જીત્યું હતું, જ્યારે ફેબ્રુઆરીમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એવોર્ડ જીત્યો હતો. ભુવનેશ્વર ઉપરાંત અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન અને ઝિમ્બાબ્વેના સીન વિલિયમ્સ પણ આ રેસમાં હતા. ભારતના ભૂતપૂર્વ બેટ્‌સમેન અને આઈસીસી વોટિંગ એકેડેમીના સભ્ય વીવીએસ લક્ષ્મણે કહ્યું હતું કે, "ઈજાના કારણે ભુવી લગભગ દોઢ વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો ન હતો. તેણે શાનદાર વાપસી કરી અને પાવરપ્લે અને ડેથ ઓવરમાં ઇંગ્લેંડના આક્રમક બેટ્‌સમેનોની સામે શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતની જીતનો પાયો નાખ્યો.'