મુંબઇ 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કિંગ ખાન ઘણીવાર તેની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ શાહરુખે પત્ની ગૌરી ખાનને એક અવોર્ડ જીતવા પર રસપ્રદ અંદાજમાં શુભકામના આપી. સાથે જ ખુદને અવોર્ડ ન મળવાની વાત પર મજાક પણ કરી. શાહરુખ લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. તે છેલ્લે 'ઝીરો' ફિલ્મમાં દેખાયો હતો, પણ ફિલ્મ ખાસ કમાલ બતાવી શકી ન હતી.

ગૌરીને AD100 લિસ્ટમાં જગ્યા મળી છે. ગૌરીની પોસ્ટને શેર કરી શાહરુખે લખ્યું, 'ચલો ઘરમાં કોઈને તો અવોર્ડ મળી રહ્યા છે.' ગૌરીને ટ્રોફી પણ મળી છે. તેનો ફોટો શેર કરીને તેણે આ ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા છે. ગૌરીએ ફોટો શેર કરી લખ્યું છે, 'આર્ક ડાયજેસ્ટ ઇન્ડિયાના AD100 લિસ્ટમાં સામેલ થઈને ઘણી ખુશ છું.'

શાહરુખ ખાનને અત્યારસુધી ઘણા અવોર્ડ્સ મળ્યા છે. એક ડઝનથી વધુ ફિલ્મફેર અવોર્ડ શાહરુખના નામે છે. 2005માં તેને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેને ઇન્ટરનેશનલ લેવલ પર પણ ઘણા અવોર્ડ મળ્યા છે. પરંતુ 2018માં આવેલી 'ઝીરો' ફિલ્મ બાદ તેની કોઈપણ ફિલ્મ રિલીઝ થઇ નથી. હવે તે 'પઠાન'માં જોવા મળશે.