મુંબઇ-

જે વેપારીઓ અને કરદાતાઓએ જીએસટી રિટર્ન ફાઇલ કર્યા નથી તેમના ઇ-વે બિલ જનરેટ થઇ શકશે નહીં. જીએસટી નેટવર્કે કહ્યુ કે, જે કરદાતાઓએ જૂન ૨૦૨૧ સુધીના બે મહિના કે જૂન ૨૦૨૧ના ત્રિમાસિક સુધીનું જીએસટી રિટર્ન ફાઇલ કર્યા નથી, તેઓ ૧૫ ઓગસ્ટથી ઇ-વે બિલ જનરેટ કરી શકશે નહીં. બીજા શબ્દોમાં કહીયે તો જેમણે જીએસટી રિટર્ન ફાઇલ કર્યા નથી તેમનું ઇ-વે બિલ જનરેશન ૧૫ ઓગસ્ટથી બ્લોક થઇ જશે.

નિષ્ણાંતોનું કહેવુ છે કે, આ પગલાંથી ઓગસ્ટ મહિનામાં જીએસટી ક્લેક્શન વધારવામાં મદદ મળશે, કારણ કે ઘણા પેન્ડિંગ જીએસટી રિટર્ન ચાલુ મહિને ફાઇલ થવાની અપેક્ષા છે.
પાછલા વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) એ કોરોના મહામારી દરમિયાન નિયમોના પાલનમાં રાહત આપતા જીએસટી રિટર્ન ફાઇલ ન કરનારના ઇ-વે બિલ જનરેશન પર મૂકેલી રોક હટાવી દીધી હતી. જીએસટીએન એ કરદાતાઓને કહ્યુ કે, સરકારે હવે તમામ કરદાતાઓ માટે ઇડબ્લ્યુબી પોર્ટલ પર ઇ-વે બિલ જનરેટ કરવા પર રોકને ૧૫ ઓગસ્ટથી ફરી લાગુ કરવાનો ર્નિણય લીધો છે.આમ ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ બાદ સિસ્ટમ ફાઇલ થયેલા રિટર્નની માહિતી ચકાસશે અને જરૂર પડશે તો ઇ-વે બિલ જનરેટ કરવા પર રોક લગાવશે. જાણકારોનું કહેવુ છે કે, સરકારના આ ર્નિણયથી ઘણા વેપાર-ધંધાઓ પ્રભાવિત થશે. દેશમાં નવી કરપ્રણાલી લાગુ કર્યા બાદ ૫૦,૦૦૦ રૂપિયાથી વધારે મૂલ્યના માલસામાનના ઇન્ટર- સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન માટે ઇ-વે બિલ ફરજિયાત કરવામાં આવ્યુ છે.