નવી દિલ્હી

જો તમે પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો ધ્યાન આપો. તમે હજી સુધી તમારો પાન આધારકાર્ડ સાથે જોડ્યો નથી તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારું પાનકાર્ડ આવતીકાલ 1 એપ્રિલથી નકામું થઈ જશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર પાનને આધાર સાથે જોડવાની આજે 31 માર્ચ ૨૦૨૧ અંતિમ તારીખ છે.

જો તમે આ કામ સમયસર નહીં કરો તો સમયમર્યાદા પૂરી થયા પછી, તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. એટલે કે આવતીકાલ 1 એપ્રિલથી તમે પાન કાર્ડનો ઉપયોગ આઈડી પ્રૂફ તરીકે અથવા અન્ય હેતુઓ માટે કરી શકશો નહીં. માત્ર આટલુંજ નહીં, જો તમારો આધાર અને પાન નિયત આવતીકાલે લિંક નહિ હોય તો તમારા પાનને કાયદેસર રીતે એક્ટિવ માનવામાં આવશે નહીં. ઉપરાંત, આવકવેરા કાયદાની કલમ 272 બી મુજબ તમારે 10,000 રૂપિયા દંડ પણ ભરવો પડશે.

બેંક ખાતા ખોલવા, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર ખરીદવાઅને રૂ 50,000 થી વધુના રોકડ વ્યવહાર જેવા ઘણા કાર્યો માટે પાનકાર્ડ ફરજિયાત છે.

વેબસાઇટ દ્વારા લિંક કેવી રીતે કરી શકાય ?

>> પ્રથમ આવકવેરા વેબસાઇટ પર જાઓ

>> આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો

>> આધારકાર્ડમાં જન્મના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ટિક કરો

>> હવે કેપ્ચા કોડ દાખલ કરો

>> હવે Link Aadhaar બટન પર ક્લિક કરો

>> તમારો પાન આધાર સાથે જોડવામાં આવશે.

SMS દ્વારા PANને આધાર સાથે જોડવાની રીત

આ માટે તમારે તમારા ફોન પર UIDPAN ટાઇપ કરવું પડશે. આ પછી 12-અંકનો આધાર નંબર અને પછી 10-અંકનો પાન નંબર લખો. હવે step 1 માં ઉલ્લેખિત સંદેશને 567678 અથવા 56161 પર મોકલો.