નડિયાદ : ડાકોરના પ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિરમાં પૂનમના પાવન પર્વે દર્શન કરવા માટે દર્શનાર્થીઓએ ઓનલાઇન બુકિંગ કરાવીને ટોકન નંબર લેવો જ પડશે. મંદિરમાં પૂનમે શ્રીજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતાં હોય છે. કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિગના નિયમનો ભંગ ન થાય તે માટે ઓનલાઇન બુકિંગ કરીને આવતાં ભક્તોને જ મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. 

આગામી ૩૦મી ડિસેમ્બરના રોજ માગશર સુદ પૂનમના પાવન પર્વે ડાકોરનું શ્રી રણછોડરાયજી મંદિર સવારે ૪ઃ૪૫ કલાકે ખુલશે અને ૫ વાગે બંધ બારણે મંગળા આરતી થશે. ૫.૦૫ કલાકથી ૬ વાગ્યા સુધી ભક્તો ઠાકોરજીના દર્શનનો લાભ લઇ શકશે. ૬થી ૬ઃ૪૫ કલાક સુધી ઠાકોરજી ધર્નુમાસ આરોગવા બિરાજશે, જે દરમિયાન દર્શન બંધ રહેશે. ૬ઃ૪૫થી ૮ઃ૧૫ કલાક સુધી ભક્તોને દર્શન આપ્યાં બાદ ૮ઃ૧૫ વાગ્યાથી ૮ઃ૪૫ સુધી ઠાકોરજી બાલભોગ, શણગારભોગ, ગ્વાલભોગ આરોગવા બિરાજશે, આ દરમિયાન દર્શન બંધ રહેશે. ૮ઃ૪૫ વાગે શણગાર આરતી થશે. ૮ઃ૫૦થી બપોરે ૧ઃ૪૫ સુધી દર્શન ખુલ્લાં રહેશે. ૧ઃ૪૫થી ૨ઃ૧૫ વાગ્યા સુધી શ્રીજી રાજભોગ આરોગવા બિરાજશે, જે સમયે દર્શન બંધ રહેશે.

પૂનમના પાવન પર્વે દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઇન બુકિંગ ફરજિયાત કરાવવાનું રહેશે. ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. શ્રદ્ધાળુઓ રણછોડરાયજીની એપ્લિકેશન અથવા તો મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન બુકિંગ કરાવીને ટોકન નંબર મેળવી શકશે.

બપોર પછી દર્શનનો કાર્યક્રમ શું છે?

૨ઃ૧૫ વાગે રાજભોગ આરતી થશે. એ સમયે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે. ૨ઃ૨૦થી ૨ઃ૪૫ દરમિયાન રાજભોગ દર્શન થશે ત્યાર પછી શ્રી ઠાકોરજી અનુકૂળતાએ પોઢી જશે અને મંદિર પ્રવેશ બંધ રહેશે. સાંજના ૩ઃ૪૫ વાગે નીજ મંદિર ખુલશે. ૪ વાગે ઉત્થાપન આરતી થશે, જે સમયે મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ૪ઃ૦૫થી ઉત્થાપન દર્શન થઇ નિત્યક્રમાનુસાર શ્રીજી ભગવાન શયનભોગ, સખડીભોગ આરોગી પોઢી જશે.