દેવગઢ બારિયા, દાહોદ જિલ્લાના દેવગઢબારીયા નગરપાલિકા વિસ્તારમાં પાંચ વર્ષથી પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની મિલી ભગતના કારણે પાલિકાની પરવાનગી વિના મોટા માથાના ઇશારે ગેરકાયદેબાંધકામો કરી શોપિંગ સેન્ટર કોમ્પલેક્ષ ઉભા કરી દેવાયા છે. આવા ગેરકાયદેબાંધકામ પૈકી એક શોપિંગ સેન્ટરને તો સીલ માર્યાંને બે વર્ષ વિતી ગયા પરંતુ કોઈ મોટી હસ્તીની મહેરબાનીથી તે બાંધકામ સિલ સાથે અડીખમ ઉભુ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.  ચીફ ઓફિસર ભલે બદલાતા રહ્યા છે પરંતુ તેમનું કામ બદલાતું નથી તેમ છતાં નગરમાં ટાવર શેરીમાં પાલિકાની પરવાનગી વિના બાંધવામાં આવેલ એક કોમ્પલેક્ષના ચાલી રહેલા ગેર કાયદેબાંધકામને તાકીદે બંધ કરવા વર્ષ ૨૦૧૯ ની મધ્યે પાલિકા તરફથી મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો. તેમ છતાં તે કોમ્પલેક્ષના બિલ્ડરે મનાઈ હુકમની ધરાર અવગણના કરી તે કોમ્પલેક્ષનું બાંધકામ ચાલુ રાખી પૂર્ણ કર્યું હતું.આ બાંધકામ ગેર કાયદે ઠેરવી બિલ્ડર સામે પગલા લેવા પાલિકાના વર્તમાન ચીફ ઓફિસર દ્વારા દિન ૨ માં ખુલાસો કરવા પુનઃ તાકીદ કરાઇ છે. તેની મુદત પણ આજે પૂરી થતા આ કોમ્પલેક્ષ બાંધનારા બિલ્ડર સામે કાર્યવાહી કરાશે કે નહીં ? તે બાબતની ચર્ચા ટોક ઓન ટાઉન બની છે. 

નગરમાં પાલિકાની પરવાનગી વિના ટાવર શેરી મહોલ્લામાં આવેલી મિલકતમાં શૈલેષકુમાર ડબગરે ત્રણેક વર્ષ અગાઉ બાંધકામ કર્યું હતું. તે વખતે તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા આ બાંધકામ તાકીદે બંધ કરવા મનાઈ હુકમ ફરમાવ્યો હતો. વગર પરવાનગીએ કરેલ બાંધકામ બદલ પગલાં કેમ ન લેવા તેના ખુલાશો દિન એકમાં કરવા જણાવાયું હતું. તેમ છતાં આ બિલ્ડરે તે કોમ્પલેક્ષનું બાંધકામ ચાલુ રાખી પૂર્ણ કર્યું હતું. આજે પણ આ ગેરકાયદેકોમ્પલેક્ષ બારીયાની મધ્ય અડીખમ ઉભુ છે. આ કોમ્પલેક્ષ કાયદેસર છે કે કેમ તેની ખરાઇ અંગેની માહિતી મેળવવા.બારીયાના રાવલ રાજેશ કુમારે આરટીઆઇ કરી હતી. જેના જવાબમાં આરટીઆઇ અધિકારીએ આ મિલકત ગેરકાયદેહોવાનું તા.૧૭/૧૨/૨૦૨૦ ના રોજ જણાવ્યું હતું. જેના પગલે હાલના ચીફ ઓફિસરે પરમ દિવસ તા.૪થાીના રોજ આ બિલ્ડરને ગેરકાયદેસર કરેલા બાંધકામ માટે મનાઈ હુકમ ફરમાવી દિન ૨ માં ખુલાશો કરવા જણાવ્યું હતું.