અમદાવાદ-

ગુજરાતમાં અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું હોવાની ઉજવણી બહુ લાંબી ટકે તેવા સંકેત નથી. એક તરફ ગુજરાતનું અમદાવાદ મોડેલ દેશભરમાં ગજાવાય રહ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના ચાર સહિત રાજ્યનાં પાંચ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. રાજ્યમાં 1000 કે તેથી વધુ કેસ સામાન્ય બની ગયા છે. સુરત અને અમદાવાદમાં પરિસ્થિતિ કાબૂમાં થઇ હોવાના સંકેત છે પરંતુ રાજકોટ, ભાવનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા આ ચાર જિલ્લાઓમાં તથા ગુજરાત તરફ પંચમહાલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. 

ગુજરાતમાં કુલ 63,675 પોઝીટીવ જાહેર થયા છે અને મૃત્યુઆંક 2,487 પર પહોંચ્યો છે. રાજકોટ જિલ્લામાં નવા 94, ભાવનગરમાં 72, જામનગરમાં 52 એ અત્યાર સુધીનો દરેક જિલ્લાનો સૌથી મોટો આંકડો છે તો દેવભૂમિ દ્વારકા પ્રથમ વખત 13 પોઝીટીવ સાથે ડબલ ડીજીટમાં પહોંચી ગયું છે અને પંચમહાલમાં 27 નવા કેસ નોંધાયા છે. જે અગાઉ 30 જુલાઈનાં 23 હતા. વડોદરામાં 96 કેસ નોંધાયા છે અને તે ત્રીજો સૌથી મોટો આંક છે. સુરતમાં આ સપ્તાહના સૌથી ઓછા 237 કેસ નોંધાયા છે. 

જેમાં સુરત સિટીનાં 209 છે અને ગ્રામ્ય વિસ્તારમાં કેસ અત્યંત ઘટી ગયા છે. અમદાવાદમાં 155 નવા કેસ છે. જેમાં સિટીના 143 અને ગ્રામ્ય વિસ્તારના 12 નવા કેસ છે. મહેસાણામાં 43, જૂનાગઢમાં 40, ગાંધીનગરમાં 29, વલસાડમાં 20, નવસારીમાં 19 અને અમરેલી-દાહોદ તથા ખેડામાં 17-17 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં એક્ટીવ કેસમાં વેસ્ટ ઝોન કે જે શહેરનો નવો વિસ્તાર છે ત્યાં કેસ વધી રહ્યા છે.