વડોદરા, તા. ૧૪

ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવા બાદ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો હાલ નથી મળી રહ્યાં. એવામાં બીજી તરફ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. વડોદરા સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ રૂ ૪૦૦થી ૫૦૦ સુધી પહોંચ્યા છે. જેના પગલે ગૃહિણીઓના રસોડાના બજેટ ખોરવાઈ ગયા છે. તો અનેક ઘરોમાં લસણનો ઉપયોગ પણ ઘટી ગયો છે. એપીએમસીના વેપારીઓના મતે વરસાદના કારણે લસણની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેના પગલે ભાવમાં વધારો થયો છે.

ચાલુ વર્ષે વાતાવરણમાં આવેલા ફેરફારો તેમજ કમોસમી વરસાદને કારણે હાલ, એપીએમસીમાં નવા લસણની આવકમાં ખુબ જ ઘટતો નોંધાયો છે. જેની સામે લસણનો ઉપયોગ રોજિંદા જીવનમાં વધારે હોવાથી આવકની સામે માગમાં ઘટાડો નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોને જૂના લસણના સારા ભાવ મળી રહ્યા છે.

વડોદરા સહિતની એપીએમસીમાં એક કિલો લસણના ભાવ રૂ ૪૦૦થી ૫૦૦ સુધી પહોંચ્યા છે. જ્યારે સારી ક્વોલિટીનું એક કિલો સૂકું લસણ ૫૦૦ કરતાં વધુ કિંમતે વેચાઈ રહ્યું છે. એવામાં છૂટક બજારમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે.

લીલા લસણના ભાવ કરતા સૂકા લસણના ભાવમાં ધરખમ વધારો જાેવા મળી રહ્યો છે. જેની પાછળનું કારણ જણાવતા એપીએમસીના વેપારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે લસણનો પાક ખૂબ ઓછો થયો હતો. જેના પગલે બજારમાં સારું લસણ ઓછું આવ્યું હતું. જેની સામે બજારની માગમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. જેથી ખેડૂતોને સૂકા લસણના ભાવ સારા મળી રહ્યા છે.

સારો ભાવ મળતા ખેડૂતોએ તેમની પાસે રહેલો મોટા ભાગના તમામ સ્ટોક વેચી નાખ્યો છે. ત્યારે હવે, ખેડૂતો પાસે લસણ ન હોવાથી બજારમાં આવક ઘટી છે.

બીજી તરફ વેપારીઓ પાસે જે લસણ છે તેની સામે પણ માગ ખુબ વધારે છે. જેથી માગ વધારે હોવાથી બજારમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે જૂનું લસણ માર્ચ કે એપ્રિલ મહિના સુધી બજારમાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિના પહેલા જ જૂનું લસણ આવવાનું બંધ થયું છે અથવા ઓછું થયું છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે. ભાવ વધારા પાછળ કોઈ કૃત્રિમ મંદી કે તેજીની વાત નથી.

દેશના મોટાભાગના યાર્ડમાં લસણની સ્થિતિ વડોદરા જેવી જ

વડોદરા યાર્ડમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે. એટલું જ નહીં દેશના અન્ય યાર્ડમાં પણ લસણનો જથ્થો આ બંને રાજ્યોમાંથી જ મોટા પ્રમાણમાં જતો હોય છે. એવામાં આ વર્ષે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે. જેના કારણે ત્યાંથી લસણ જાેઈએ એટલા પ્રમાણમાં યાર્ડમાં આવી રહ્યું નથી. બીજી તરફ લસણની માગમાં કોઈ ઘટાડો થયો નથી. પરંતુ બજારમાં લસણનો પુરવઠો ઘટ્યો છે જેના કારણે ભાવ વધ્યા છે. વડોદરા સહિત રાજ્યના અન્ય યાર્ડ સહિતના દેશભરના લગભગ તમામ યાર્ડમાં આજ સ્થિતિ છે.

નવું ઉત્પાદન આવ્યા બાદ લસણના ભાવ ઘટશે ઃ વેપારી

એપીએમસીના વેપારીએ જણાવ્યું હતું કે, વડોદરા એપીએમસીમાં ૨૦ કિલો લસણ લગભગ રૂ ૫૦૦૦થી ૭૦૦૦ ના ભાવે વેચાઈ રહ્યું છે. જેના પગલે ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે. બીજી તરફ લસણની સીઝન હાલમાં જ પૂર્ણ થઇ છે. જેથી હજી નવું ઉત્પાદન બજારમાં આવ્યું હતું. જેના કારણે ખેડૂતોને જુના લસણના ઊંચા ભાવ મળી રહ્યા છે. હાલમાં યાર્ડમાં લસણની માત્ર ૨૦૦થી ૫૦૦ ગુણી જ આવી રહી છે. પરંતુ એક વખત નવું ઉત્પાદન આવવાનું શરૂ થશે પછી લસણના ભાવ પ્રતિ કવીન્ટલ ૨-૩ હજાર થવાની શક્યતાઓ હાલ જાેવા મળી રહી છે.