વડોદરા : છેલ્લા અઢી વર્ષ દરમ્યાન પાલિકાએ આપેલા અબજાેના ઇજારાઓની સામે જે-તે ઇજારદાર પાસેથી ટેન્ડરની રકમનો એક ટકો ‘પાર્ટી ફંડ’ના નામે ઉઘરાવી શાસકો દ્વારા ભ્રષ્ટાચાર-કટકીને સત્તાવાર સ્વરૂપ અપાયા પછી પણ આ તમામ રકમ પૈકીની મોટાભાગની રકમ પાર્ટી ફંડમાં જમા થવાને બદલે બારોબાર ‘ચાંઉ’ થઇ ગયાના ફૂટેલા બોમ્બથી મનુભાઇ ટાવરનું ભાજપા કાર્યાલય હચમચી ગયું છે. 

લોકસત્તા-જનસત્તાએ વિશેષ અહેવાલ સ્વરૂપે આ ભાંડો ફોડતાં આજે આખો દિવસ ભાજપાના સામાન્ય નાના કાર્યકરોથી માંડી સ્થાનિક પરંતુ પ્રદેશ કક્ષાના નેતાઓમાં ગરમાગરમ ચર્ચાઓ થઇ રહી છે.

આગામી ચૂંટણીમાં પોતાના માનીતાઓ માટે ચાલુ કાર્પોરેટરોની સીટ ખાલી કરાવવાના મલીન ઇરાદાના ભાગરૂપે તેમને આવા કોઇ કૌભાંડમાં સંડોવી તેમને બીજીવાર ટીકીટ મળવામાં ‘બ્રેક’ મારવાનો કોઇનો દાવ તો નથી ને ? એ સવાલે પણ હાલ તો ભાજપામાં ઉત્તેજના ફેલાઇ છે તથા ઉત્તરાયણના લગભગ દોઢ મહિના અગાઉ જ એકબીજાના પતંગ કાપવાની શરમજનક આંતરિક પ્રવૃત્તિ શરૂ થતાં પાયાના સમર્પિત કાર્યકરો હતાશ થઇ ગયા છે.

એટલું જ નહીં ઇજારદારોએ પ્રત્યેક ટેન્ડર દિઠ કુલ રકમના ૧ ટકા નાણા ‘પાર્ટીફંડ’ તરીકે આપ્યા પણ તે ક્યાં ‘ગટર’ થઇ ગયા તેની તપાસ ‘સ્વયંઘોષિત એક સભ્યની તપાસ સમિતિ’ના ‘સ્વયંનિયુક્ત એકમાત્ર સભ્ય’ દ્વારા શરૂ કરાઇ છે. ભાજપાના એક દિગ્ગજ નેતાનું સજ્જડ પીઠબળ ધરાવતા હોવાનું મનાતા આ સભ્યએ ઇજારદારોને એક પછી એક બોલાવી તમે કોને પૈસા આપ્યા હતા ? એ મુજબની રીતસરની રીમાન્ડની અદામાં પુછપરછ શરૂ કરતાં સમગ્ર ભાજપામાં ધરતીકંપનો ફફડાટ ફેલાયો છે.

આ સમગ્ર કૌભાંડ બહાર આવતાં જ ભાજપાના ચૂંટાયેલી અને વહીવટી પાંખના દિગ્ગજ નેતાઓ અને તેમના ડાબા-જમણા હાથ મનાતા ફન્ટરો સામે બાકીના તમામ કાર્યકરો શંકાની નજરે જાેવા માંડ્યા છે.

એક તરફ કેવડિયા ખાતે ભાજપાના દિગ્ગજ નેતાઓ તથા સ્વયં રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યાં છે ત્યારે એ પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર બનેલા વડોદરા ખાતે શાસક ભાજપનું આ કૌભાંડનું તપેલુ ચઢ્યું છે, જેનાથી પણ છબી ખરડાય એવા સંજાેગો ઉભા થયા છે.

છેલ્લા અઢી વર્ષ દરમ્યાન પાર્ટીફંડના ઉપયોગથી કયો નેતા કેટલો આર્થિક તગડો થયો ? કયા નેતાએ ક્યાં મોટું રોકાણ કર્યું ? કોની રહેણીકરણી રાતોરાત શ્રીમંતો જેવી થઇ ગઇ ? જેવી ચર્ચાઓ કરી પાર્ટીના કાર્યકરો આ કટકી કૌભાંડની મોટાભાગની કટકી ઓહિયા કરી જનારાઓના નામોની હાલ તો અટકળો કરી રહ્યાં છે.

‘શબ્દવેધી બાણ’ અત્યારે જ કેમ ?!

‘પાર્ટીફંડ’ના નાણાં પાર્ટીમાં જમા કરવાને બદલે કોણે ક્યાં જમા કરાવ્યા ? કે પોતે જ પોતાના ખીસ્સામાં જમા લીધા ? જેવા પાયાના પ્રશ્ન ખડા કરતા આ કૌભાંડનું ‘શબ્દવેધી’ બાણ કયા દશરથ રાજાએ કયા ‘શ્રવણ’ને વિંધવા માર્યું, તેની અટકળો પણ હાલ તો ભાજપામાં ગુસપુસ સ્વરૂપે ચાલુ છે. કારણકે છેલ્લા અઢી વર્ષ દરમ્યાન જાે ‘પાર્ટીફંડ’માં નજીવી રકમ જ જમા થઇ હોય તો અત્યારે ગયેલી કૌભાંડની શંકા રાજા દશરથને વહેલી કેમ ના થઇ ? અને હવે જ્યારે ટીકીટ વહેંચણીની મોસમ ઊંબરે આવીને ઉભી છે ત્યારે સમય જાેઇને એ શબ્દવેધી બાણ તો નથી માર્યું ને ? એ પણ હાલ તો પાર્ટીમાં ચર્ચાનો વિષય છે.