ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની પ્રથમ બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વરસાદથી પ્રભાવિત એવા સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓને થયેલા નુકશાન મામલે અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ ર્નિણયો લેવાયા હોવાનું રાજ્યના પ્રવકતા મંત્રીઓએ જણાવ્યું હતું.

આ અંગે રાજ્ય સરકારના પ્રવકતા એવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મંત્રીમંડળની બેઠકના આ ર્નિણયોની વિગતો આપતાં કહ્યું કે, સરકાર દ્વારા આપત્તિનો ભોગ બનેલા આ ત્રણ જિલ્લાના નાગરિકો, પશુપાલકોને ઉદાર રીતે મદદ-સહાય માટે પ્રવર્તમાન એસડીઆરએફના સહાય ધોરણો ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધારાની સહાય આપવાની ર્નિણય કર્યો છે. સરકારના પ્રવકતા મંત્રીઓએ આ સંદર્ભમાં વધુમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદથી જે લોકોની ઘરવખરીને નુકશાન કે તણાઇ જવાના કિસ્સામાં એસડીઆરએફની ૩૮૦૦ રૂપિયાની સહાયમાં આજે મંત્રીમંડળ દ્વારા વધારાના ૩૨૦૦ રૂપિયાની વધારાની સહાય આપીને પરિવાર દીઠ ૭૦૦૦ રૂપિયા ઘરવખરી સહાય આપવાનો ર્નિણય કર્યો છે. ભારે વરસાદથી જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે, તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા ૫૯૦૦ રૂપિયાનો વધારો આપવાનો ર્નિણય કર્યો છે. જે મુજબ નાશ પામેલા ઝૂંપડાઓ માટે એસડીઆરએફના રૂ.૪૧૦૦ની રકમમાં સરકારના વધારાના ૫૯૦૦ રૂપિયા મળીને હવે ઝૂંપડા દીઠ ૧૦ હજાર રૂપિયાની સહાય અપાશે. સરકારના પ્રવકતા મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મકાન સહાય ઉપરાંત પશુ મૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો ર્નિણય આજેની કેબિનેટની બેઠકમાં લેવાયો છે. બંને મંત્રીઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી અંશતઃ નાશ પામેલા પાકા મકાનો માટે મળવાપાત્ર રૂ.૫૨૦૦ ઉપરાંત સરકારના વધારાના રૂ.૯૮૦૦ મળીને હવે આવા મકાનો માટે મકાન દીઠ રૂ.૧૫ હજારની કુલ સહાય સરકાર આપશે. જ્યારે જે કાચા મકાનો ભારે વરસાદને પરિણામે અંશતઃ નાશ પામ્યા છે તેવા મકાનો માટેની સહાયમાંરૂ. ૬૮૦૦નો વધારો કરાયો છે. જે મુજબ રૂ. ૩૨૦૦ મળવાપાત્ર સહાય અને વધારાની રૂ.૬૮૦૦ એમ કુલ ૧૦ હજારની સહાય ચૂકવાશે.