દિલ્હી-

ભારતમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે મૃત્યુઆંકની ગણતરીમાં ભારત વિશ્વમાં પાંચમા નંબરે પહોંચી ગયુ છે. આજે દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા પણ 16 લાખને પાર કરી ગઈ હતી.

ભારતમાં કોરોનાથી મોતની કુલ સંખ્યા 35747 થઈ છે જે ઈટાલીના 35132ના મોતના આંકડાને વટાવી ગઈ છે. માત્ર જુલાઈ મહિનામાં જ 18355 લોકો મોતને ભેટયા છે. જુલાઈ પુર્વેના ત્રણ મહીનામાં કોરોનાના આરંભથી જેટલા લોકોનો ભોગ લેવાયો હતો તેનાથી વધુ મોત માત્ર જુલાઈમાં જ થયા છે અને આ સાથે કુલ મોતમાં ભારત વિશ્વમાં પાંચમાં સ્થાને પહોંચી ગયુ છે. 

બીજી તરફ ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા 55079 કેસોનો રેકોર્ડ થયો હતો. જયારે 779 લોકોના મોત નિપજયા હતા. ભારતમાં કોરોનાના અત્યાર સુધીના કુલ કેસ 16.38 લાખ પર પહોંચ્યા છે જયારે કુલ મૃત્યુઆંક 35747 થયો છે. એકટીવ કેસો 5.45 લાખ છે. જયારે 10.57 લાખ દર્દી ડીસ્ચાર્જ થયા છે. રિકવરી રેટ 64 ટકા તથા મૃત્યુદર ઘટીને 2.2 ટકા થઈ ગયાનો સરકારનો દાવો છે. 

દરમ્યાન નવા કેસોમાં મહારાષ્ટ્ર જ સૌથી વધુ અસરગ્રસ્ત છે. પ્રથમ વખત ચોવીસ કલાકમાં 11000 થી વધુ કેસો નોંધાયા હતા. આ સિવાય આંધ્રપ્રદેશમાં 10000થી વધુ કેસ નોંધાયા હતા. કર્ણાટકમાં 6000 થી વધુ, ઉતરપ્રદેશમાં 3700થી વધુ, ગુજરાત-રાજસ્થાનમાં 1100થી વધુ અને ગોવામાં નવા 215 કેસ હતા. આ તમામ રાજયોમાં એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા હતા.