ન્યૂ દિલ્હી

ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર સાથે સૌથી સદી ફટકારનારા ભારતના પૂર્વ બેટ્‌સમેન સચિન તેંડુલકરને ૨૧ મી સદીના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્‌સમેન તરીકે ચૂંટવામાં આવ્યો છે. શ્રીલંકાના ભૂતપૂર્વ વિકેટકિપર-બેટ્‌સમેન કુમાર સંગાકારા સામે સચિનને આ મતદાનમાં સખત લડત મળી હતી પરંતુ આખરે તેંડુલકર જીત્યો. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચના ઐતિહાસિક પ્રસંગે એક ટીવી ચેનલે ૨૧ મી સદીના સર્વશ્રેષ્ઠ ખેલાડીની પસંદગી માટે મતદાન કરવાની પ્રક્રિયા શરૂ કરી. ટીવી ચેનલની કમેન્ટરી ટીમ અને ચાહકોએ સચિનને શ્રેષ્ઠ બેટ્‌સમેન તરીકે પસંદ કર્યો.

ભારતના મહાન બેટ્‌સમેન સુનિલ ગાવસ્કરે એક વીડિયોમાં કહ્યું હતું કે તે મુશ્કેલ મુકાબલો હતો. કુમાર સંગાકારા અને સચિન તેંડુલકર બંને રમતના આઇકોન છે. પરંતુ ૨૧ મી સદીના મહાન ટેસ્ટ બેટ્‌સમેનનો વિજેતા મારો સાથી મુંબઈકર સચિન રમેશ તેંડુલકર છે.

તેંડુલકરે ૧૬ વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૫૧ સદી સાથે ૧૫,૯૨૧ રન બનાવ્યા છે. સંગાકારાએ ટેસ્ટમાં ૧૨૪૦૦ રન બનાવ્યા છે જ્યારે તેની પાસે ૩૮ ટેસ્ટ સદી છે. કોમેંટ્રી પેનલમાં વીવીએસ લક્ષ્મણ, ઇરફાન પઠાણ, આકાશ ચોપડા અને અન્ય લોકો શામેલ હતા. કોમેન્ટરી પેનલમાં સમાવિષ્ટ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ સચિનના યોગદાનની પ્રશંસા કરતાં તેમને પસંદ કર્યા.