મુંબઈ

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં નંબર વન બેટ્‌સમેન હતો. પરંતુ હવે પાકિસ્તાનનો બેટ્‌સમેન બાબર આઝમ વનડે ક્રિકેટમાં વિશ્વનો નંબર વન બેટ્‌સમેન બની ગયો છે. પાકિસ્તાનના બેટ્‌સમેન બાબર આઝમે કેપ્ટન વિરાટ કોહલી પાસે વનડે ક્રિકેટમાં નંબર વનની ખુરશી છીનવી લીધી છે. કેપ્ટન કોહલી છેલ્લા કેટલાક સમયથી મોટી ઈનિંગ રમી શક્યો નથી. જ્યારે બાબર સતત સારી ઈનિંગ રમી આઈસીસી વનડે રેન્કિંગમાં આગળ વધી રહ્યો હતો. સાઉથ આફ્રિકા સામે રમાયેલી વનડે સિરીઝમાં આઝમે શાનદાર પ્રદર્શન કરી વનડેમાં નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે.  

બાબર પોતાના દેશથી આઈસીસી રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન હાસિલ કરનાર ચોથો ખેલાડી બન્યો. ૨૬ વર્ષના બાબરે સેન્ચુરિયનમાં આફ્રિકા વિરુદ્ધ સિરીઝની અંતિમ મેચમાં ૮૨ બોલમાં ૯૪ રનની ઈનિંગ રમી જેથી તેને ૧૩ રેટિંગ પોઈન્ટ હાસિલ કરવામાં મદદ મળી અને તે ૮૬૫ પોઈન્ટે પહોંચી ગયો. કોહલી ૧૨૫૮ દિવસ સુધી બેટ્‌સમેનોના રેન્કિંગમાં ટોપ પર રહ્યો જે સમય ત્રણ વર્ષ કરતા વધુ છે. હાલના સમયમાં બાબર આઝમ ૮૬૫ રેટિંગ પોઈન્ટ સાથે વિશ્વનો નંબર એક બેટ્‌સમેન છે, જ્યારે ૮૫૭ પોઈન્ટ સાથે વિરાટ કોહલી બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને રોહિત શર્મા છે, જેના ૮૨૫ પોઈન્ટ છે. ચોથા સ્થાને ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર છે. ટેલરના ખાતામાં ૮૦૧ પોઈન્ટ છે. જ્યારે ૭૯૧ પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન આરોન ફિન્ચ પાંચમાં સ્થાને છે.