દિલ્હી-

દેશ આઝાદીનો ૭૫મો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ પ્રસંગે, દેશની રક્ષા કરવા તત્પર રહેતા અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપનાર યોદ્ધાઓને સ્વતંત્રતા દિવસના પ્રસંગે સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે ૧,૩૮૦ શૂરવીરોને ગેલેંટ્રી પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે પોલીસના આ જવાનો માટે આપવામાં આવતા પ્રેસિડેંટ પોલીસ મેડલ ફોર ગેલેંટ્રી, પોલીસ મેડલ ઓફ ગેલેંટ્રી, પ્રેસિડેન્ટ પોલીસ મેડલ અને ડિસ્ટિન્ગ્વિશ સર્વિસ સહિત અન્ય ગેલેંન્ટ્રી એવોર્ડની ઘોષણા કરી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, પોલીસના ૨ જવાનને વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને ૬૨૮ જવાનોને વીરતા માટે પોલીસ મેડલ આપવામાં આવશે. આ ઉપરાંત, ૬૬૨ પોલીસ કર્મચારીઓને ગૌરવપૂર્ણ સેવા માટે પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. ૮૮ પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.સરહદ પર તૈનાત આઇટીબીપીના ૨૩ જવાનોને બહાદુરી માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે, જેઓ ચીનની સરહદ પર તૈનાત રહીને દેશનું રક્ષણ કરે છે. તેમાંથી, ૨૦ જવાનોને મે-જૂન, ૨૦૨૦માં પૂર્વી લદ્દાખમાં થયેલી અથડામણમાં બતાવેલી બહાદુરી માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો બીજી તરફ, સૌથી વધુ મેડલ જમ્મુ અને કાશ્મીર પોલીસને ગયા છે. જેમાં જમ્મુ -કાશ્મીરના ૨૫૬ પોલીસકર્મીઓ અને સીઆરપીએફના ૧૫૧ બહાદુર સૈનિકોનો સમાવેશ થાય છે. આ સિવાય ઓડિશામાંથી ૬૭, મહારાષ્ટ્રમાંથી ૨૫ અને છત્તીસગઢ પોલીસમાંથી ૨૦નો સમાવેશ થાય છે. આ સાથે, અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેટલાક પોલીસકર્મીઓ ઉપરાંત, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને પણ એવોર્ડ એનાયત કરવામાં આવશે.