અબુધાબીઃ  

દિલ્હી કેપિટલ્સએ આઈપીએલ 2020ની મહત્વની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને 6 વિકેટે પરાજય આપી પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે. દિલ્હીના 16 પોઈન્ટ થઈ ગયા છે અને તે હવે પ્રથમ ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. તો મેચ ગુમાવ્યા છતાં વિરાટ કોહલીની ટીમ પણ પ્લેઓફમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 4 વિકેટે 154 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ પહેલા જ પ્લેઓફમાં પહોંચી ચુકી હતી. હવે આજે દિલ્હી કેપિટલ્સે જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન મેળવી લીધું છે. તેના 16 પોઈન્ટ થઈ ગયા છે. આરસીબી પણ હાર બાદ ખુશ છે. તે પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. પ્લેઓફની ચોથી ટીમનો નિર્ણય આવતી કાલે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચ બાદ થશે. જો હૈદરાબાદની ટીમ જીતશે તો તે પ્લેઓફમાં સરળતાથી પહોંચી જશે. જો મુંબઈનો વિજય થશે તો કોલકત્તા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાં પહોંચશે.

દિલ્હી કેપિટલ્સ તરફથી શિખર ધવન અને પૃથ્વી શોએ ઈનિંગની શરૂઆત કરી હતી. પૃથ્વી શોએ ફરી બધાને નિરાશ કર્યા હતા. તે માત્ર 9 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં 1 વિકેટે 53 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ શિખર ધવન અને રહાણેએ 88 રનની ભાગીદારી કરી હતી. શિખર ધવન 41 બોલમાં 6 ચોગ્ગા સાથે 54 રન બનાવ્યા હતા. તેને શાહબાઝ અહમદે આઉટ કર્યો હતો.

દિલ્હી તરફથી આજે અંજ્કિય રહાણેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. મહત્વની મેચમાં રહાણેએ પણ શાનદાર પ્રદર્શન કરી અડધી સદી ફટકારી હતી. રહાણેએ 37 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. રહાણે 46 બોલમાં એક સિક્સ અને પાંચ ચોગ્ગા સાથે 60 રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો.

કેપ્ટન અય્યર 7 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં રિષભ પંત (8*) અને માર્કસ સ્ટોયનિસ (10*)એ દિલ્હીને જીત અપાવી હતી. બેંગલોર તરફથી શાહબાઝ અહમદને બે, સિરાજ, સુંદરને એક-એક સફળતા મળી હતી.