વડોદરા : દેશના અર્થતંત્રને નુકસાન કરવાના ઇરાદે ૫૦૦ ના દરની નકલી ચલણી નોટો બજારમાં ફરતી મુકવાની હરકતમાં પોલીસે ભરુચમાં રહેતા અને સત્યના શિખરે નામની ચેનલમાં કામ કરતા પત્રકારની પોલીસે ધરપકડ કરીને ૫૦૦ ના દરની કુલ રુ ૨૭ હજારથી વધુની નકલી નોટો કબ્જે લીધી છે.

મળતી માહિતી મુજબ શહેરના છાણી જકાત નાકા પાસે જલારામ મંંદિર સામે જયરામ પ્રોવિઝન સ્ટોર ધરાવતા મધુબેન દિલીપભાઇ ગુપ્તા આજે દુકાને હતા.ત્યારે એક લબરમૂંંછિયાએ મધુબેન પાસે સિગરેટનું પેકેટ માંગ્યુ હતું.જેથી મધુબેને સિગરેટનું પેકેટ આવતા લબરમૂંંછિયાએ ૫૦૦ રુપિયાની નોટ આપી હતી.મધુબેને નોટ ચેક કર્યા સિવાય ૧૦૦ રુપિયા કાપી પાછા ૪૦૦ રુપિયા આપ્યા હતા.આ દરમ્યાન કોઇ વ્યક્તિએ મધુબેનને ૫૦૦ની નોટ સારી રીતે ચેક કરવા જણાવતા તે નોટ નકલી હોવાનું જાણવા મળતા લબરમૂંછિયાને માસ્ક નીચે કરીને પોલીસ મથકમાં લઇ જવાની વાત કરતા લબરમૂંંછિયો રડવા લાગ્યો હતો.અને ભૂલથી નોટ આવી ગઇ હશે તેવુ જણાવીને પોતાનો બચાવ કરતો હતો.આ દરમ્યાન આ કિશોર જે કારમાં આવ્યો હતો.તે કારમાં આવેલા લોકોએ મધુબેનને પ્રેસમાં હોવાનો દમ મારીને ધમકાવવાની કોસિશ કરી હતી.

જાેકે મધુબેને બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા.અને આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી જઇને લબરમૂંંછિયા પાસેની ૫૦૦ ના દરની નોટ ચેક કરતા તે નકલી જણાઇ આવી હતી.અને કારમાં તપાસ કરતા ૫૦૦ ના દરના બે બંડલ તેમજ છુટ્ટા પૈસા મળી આવ્યા હતા.જેથી ફતેહગંજ પોલીસે ભરુચમાં રહેતા લબરમૂંંછિયા અને સત્યના શિખરે નામની ચેનલમા પત્રકાર તરીકે કામ કરતા નાથા મિન્હાઝને પકડયો હતો.આ સાથે તે એક સગીરને સાથે રાખતો હતો.નાથા મિન્હાઝ કોઇને શક ન જાય માટે સગીરને નકલી નોટ આપીને દુકાનમાં મોકલતો હતો.અને સિગરેટનું પેકેટ કે અન્ય વસ્તુ લાવવા કહેતો હતો.સગીર રુ.૫૦૦ની નકલી નોટ આપીને દુકાનદાર પાસેથી સાચી નોટો મેળવીને રુપિયા ભેગો કરતો હતો.આ અગાઉ આ બંને નવાયાર્ડ સરદાર નગરમાં હરિઓમ ટ્રેડર્સ નામની દુકાને ગયો હતા.અને ત્યાં પણ સિગરેટનું પેકેટ માંગી રુ ૫૦૦ની નકલી નોટ આપી હતી.પણ દુકાનદાર હરિશભાઇએ નોટ નકલી હોવાનંું જણાવતા સગીર બીજી નોટ લઇને આવું છું.

તેમ કહી કાર પાસે જઇને કાર લઇને ભાગી ગયા હતા.જેથી હરિશભાઇએ કારનો પીછો કર્યો હતો.અને આ બંનેએ ફરી નકલી નોટ વટાવીને વસ્તુ લેવાની કોશિશ કરતા બંનેને પકડયા હતા.જ્યાં નાથા મિન્હાઝે પત્રકારાનો દમ મારીને હરિશભાઇ તેમજ મધુબેનને ધમકાવવાની કોશિશ કરી હતી.પણ મામલો વધુ ઉગ્ર બનતા લોકો દોડી આવતા પોલીસને જાણ કરાઇ હતી.આ બનાવ પછી ફતેહગંજ પોલીસે નાથા મિન્હાઝ તેમજ સગીરની ધરપકડ કરીને વધુ પુછતાછ કરવા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.