જૂનાગઢ-

એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વે ગત ૨૪ ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં બે લાખ જેટલા પ્રવાસીઓએ ગિરનાર રોપ વેની સફરની મોજ માણી હતી. જેના થકી રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને અંદાજિત ૧૦ કરોડ કરતાં વધુની આવક થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હજૂ પણ યાત્રિકોનો પ્રવાહ ગિરનાર રોપ વેની સફર માટે આવી રહ્યો છે. આગામી દિવસોમાં હજૂ પણ જ્યારે કોરોના સંક્રમણ સંપૂર્ણપણે દૂર થઈ જશે, ત્યારે દેશ અને દુનિયાના યાત્રિકો પણ ગિરનાર રોપ વેની મજા લેવા માટે જૂનાગઢમાં ચોક્કસ આવશે.

૨૪ નવેમ્બરથી શરૂ થયેલો એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે થોડા દિવસો બાદ ૩ મહિના પૂર્ણ કરવા જઈ રહ્યો છે. ત્યારે આ સમયગાળા દરમિયાન ૪ કરતા વધુ કિસ્સાઓમાં ગિરનાર રોપ વેનું સંચાલન ખાસ કરીને સવારના સમયે બંધ રાખવાની ફરજ ઉષા બ્રેકો કંપનીના સંચાલકોને પડી છે. ગત અઠવાડિયા દરમિયાન જે પ્રકારે ખૂબ ઠંડીની લહેર ચાલી હતી. આ સમયે સવારના ૮થી ૯ના સમયગાળા દરમિયાન ખૂબ જ જૂજ યાત્રિકો ગિરનાર રોપ વેમાં પ્રવાસ કરવા માટે આવતા હતા. જે કારણે સવારના ૮થી લઈને ૯ કલાક સુધી ગિરનાર રોપ વેનું સંચાલન બે કે તેથી વધુ વખત બંધ રાખવાની ફરજ પડી હતી. જ્યારે શિયાળા દરમિયાન ગિરનાર પર્વત પર પવનની તીવ્રતા વધુ હોવાને કારણે પણ ગિરનાર રોપ વેને ૩ ત્રણ મહિનામાં બે વખત સવારના સમયે સંચાલન અટકાવી દેવામાં આવ્યું હતું. જે બાદ પવન પૂર્વવત થતા રોપ વેનું સંચાલન પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.