ગોધરા : કાલોલ જીઆઇડીસી સ્થિત એક બંધ પડી રહેલી કંપનીના ગોડાઉનમાં પાછલા ઘણા સમયથી જમા કરી રાખેલા ખેરના લાકડાનો વિપુલ જથ્થો વેજલપુર રેન્જર વિભાગે ઝડપી પાડયો હતો.  

વેજલપુર રેન્જ પોસઈ સંજય દેસાઈને શનિવારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કાલોલ જીઆઇડીસીમાં એમ.જી વુલન કંપની સામે આવેલા બ્લોક નંબર ૫૪માં આવેલી એક બંધ પડી રહેલી ટાયર કંપનીના ગોડાઉનમાં છાપો મારીને તપાસ કરતા વરસાદી સિઝનમાં પ્લાસ્ટિકની તાટપતરી નીચે ઢાંકી રાખવામાં ખેરના લાકડાનો વિપુલ જથ્થો ઝડપાયો હતો.

ઈમારતી એવા પ્રતિબંધિત ગણાતા ખેરના લાકડાનો સંગ્રહ કરનાર મુખ્ય ઈસમ નામે દુર્વેશ મુજસ્સિમ અબ્દુલ નામના વેપારીએ અંદાજીત ૧૪૦ ક્વિન્ટલના જથ્થામાં આ જગ્યાએ પાસ પરમીટ વિના ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખ્યો હતો. જે સંગ્રહિત કરેલા માલને કબ્જે કરવામાં વેજલપુર વન વિભાગ દ્વારા બે ટેમ્પા ભરીને જપ્ત કરી જપ્ત કરવામાં આવ્યો હતો. જેની ઘન મીટર પ્રમાણે જો બજાર કિંમત આંકવામાં આવે તો અંદાજીત રૂ.૪ લાખ જેટલી રકમના આ ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હોવાની પ્રાથમિક માહિતી વન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. આ ઈસમ દ્વારા અગાઉ પણ ગેરકાયદેસર વેપાર કરતા ઝડપાયો હતો.