આણંદ, તા.૨૯ 

આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાંય દિવસોથી કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. લાગે છે વહીવટી તંત્રની પકડ ઢીલી પડી ગઈ છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આણંદ જિલ્લામાં આજે વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. પેટલાદમાં ત્રણ, આણંદ શહેર, ગાનામાં બે-બે કેસ અને આંકલાવ, ઉમરેઠ, વલાસણમાં એક-એક કેસ નોંધાયો હતો. એકબાજુ તહેવારોની મોસમ અને બીજી બાજું અનલોક-૩ની તૈયારીઓ વચ્ચે આણંદ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. આજે નવાં આવેલાં ૧૦ કેસ બાદ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટુકડીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં સેનિટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં કેસ નોંધાયા હતાં એ વિસ્તારને સીલ કરી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની પ્રોસેસ હાથ દરાઈ હતી. આ ૧૦ કેસ પૈકી આણંદ શહેરના ગીચ ગણાતાં એવાં પરીખભુવન વિસ્તારની અંબાલાલ પાર્ક સોસાયટીમાં રહેતાં ૭૨વર્ષવા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અફરાંતફરી મચી ગઈ છે. અત્યાર સુધી ગણેશ ચોકડી અને પરીખભુવન વિસ્તાર કોરોના સંક્રમણથી બચી રહ્યાં હતાં. આજે પરીખભુવનમાં એક કેસ આવતાં હવે ત્યાં સંક્રમણ ન વધે તે તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સરવે હાથ ધરાયો છે. વધુ એક કેસ કેસ રાધેશ્યામ પાર્ટીપ્લોટ પાસે આવેલી પ્રથમ રેસીડેન્સીમાં નોંધાયો છે. અહીં રહેતાં ૩૯ વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મેઘવા-ગાના ગામે આઝાદ ચોકમાં રહેતાં પતિ-પત્ની બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચી ગઈ છે. આ ઉપરાંત પેટલાદની જામફળીવાળીની ખડકીમાં રહેતાં ૨૯ વર્ષના પુરુષ અને ચોક્સી બજારમાં રહેતાં ૭૮ વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ઉમરેઠની ટેકરી ભાગોળ ખાતે રહેતાં ૬૫ વર્ષના વૃદ્ધ અને વલાસણ ગામની બ્રહ્મપોળમાં રહેતાં ૩૫ વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આજે આવેલાં ૧૦ પોઝિટિવ કેસમાંથી ૪ને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ, ત્રણને આણંદની જનરલ હોસ્પિટલ, બેને પેટલાદની સિવિલ હોસ્પિટલ અને એકને બોરસદની અંજલિ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.