આણંદ : આણંદ જિલ્‍લામાં આણંદ જિલ્‍લાની છ નગરપાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, અને સોજિત્રાની તથા આઠ તાલુકા પંચાયત આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ અને સોજિત્રાની સામાન્‍ય ચૂંટણી તથા કરમસદ નગરપાલિકાની વોર્ડનં.૧ની પેટા ચૂંટણી યોજાવાની છે. આ માટે ચૂંટણી નિરીક્ષક તરીકે ગાંધીનગર ગુજરાત મહિલા આયોગના સભ્‍ય સચિવ કુમારી વી.આઇ. પટેલની રાજય ચૂંટણી આયોગ દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયમાં નગરપાલિકાઓ તથા જિલ્‍લા અને તાલુકા પંચાયતોની સામાન્‍ય ચૂંટણીઓ આગામી તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આણંદ જિલ્‍લાની છ નગરપાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ અને સોજિત્રાની તથા આઠ તાલુકા પંચાયત (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ અને સોજિત્રા)ની સામાન્‍ય ચૂંટણી ઉપરાંત કરમસદ નગરપાલિકાની વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી તા. ૨૮ના રોજ યોજાવાની છે. આ ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવા અંગેનું જાહેરનામું આગામી તા. ૮ના રોજ પ્રસિદ્ધ થવાનું છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ ઉમેદવારીપત્રો રજૂ કરવાની પ્રક્રિયા શરૂ થશે.