ભરૂચ,  ભરૂચમાં ૧૦ દિવસ પહેલા ભોલાવના એક સુપર સ્ટોરમાં કાઉન્ટર પાસે ઉભા રહેવા બાબતે ત્રણ થી ચાર લોકોના જીવલેણ હુમલાનો ભોગ બનેલા વૃદ્ધ જશુભાઈ જાદવનું આજરોજ મૃત્યુ થતા દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્‌યો હતો. દલિત સમાજે હોસ્પિટલ બહાર ભેગા થઈ રોડ પર બેસી જઈ જ્યાં સુધી આરોપીની અટકાયત ન થાય ત્યાં સુધી મૃતકની લાશ ઉઠાવવાની ના પાડતા મામલો ગરમાયો હતો. મૃતકના પરિવારજનો સહિત દલિત સમાજના લોકોએ પોલીસની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેના પગલે આખરે સક્રિય બનેલી પોલોસે મુખ્ય આરોપી દિનુભા રણા ની ધરપકડ કરતા મામલો થાળે પડ્યો હતો. 

ભરૂચના ભોલાવ વિસ્તારમાં વ્રજ વિહાર સોસાયટી પાસે કચ્છ સુપર સ્ટોરમાં કાઉન્ટર પાસે જગ્યા આપવાનું કહેનાર ૬૫ વર્ષિય જશુભાઈ જાદવ ઉપર દિનુભા રણા તથા પ્રવીણભાઈ સહિત ચાર લોકોએ હિંસક હુમલો કરી રોડ પર પટકી માર માર્યો હતો. જેમાં ગંભીર ઇજાના પગલે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે સી ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જાેકે આરોપીઓ ૧૦ દિવસ સુધી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. દરમ્યાન આજરોજ વહેલી સવારે જશુભાઈ જાદવનું મૃત્યુ થતા દલિત સમાજમાં રોષ ઉભો થયો હતો.

ગરમાયેલો દલિત સમાજ ઝાડેશ્વર સ્થિત સાઈ શ્રદ્ધા હોસ્પિટલ ખાતે ધસી આવ્યો હતો. મૃતકના પરિવારજનો સહિત દલિત સમાજના લોકોએ હોસ્પિટલ બહાર રોડ પર બેસી જઈ પોલીસ સામે સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા. મૃતકના પરિવાર સહિતના લોકોએ પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવ્યા હતા. દરમ્યાન સી ડિવિઝન પી.આઈ.ઉનડકટ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી. આઈ. ઝાલા સહિત પોલીસ કાફલો હિસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જેમની સામે પણ દલિતોના ટોળાએ આક્ષેપોનો મારો ચલાવી ઉગ્ર રજૂઆતો કરી તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ ઉઠાવી હતી. અને જ્યા સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતક જશુભાઈ જાદવ ની લાશ ઉઠાવવાની ના પાડી દેતા મામલો વધુ તંગ બન્યો હતો. એ.એસ.પી. અને સમગ્ર કેસના તપાસ અધિકારી વિકાસ સુંડા પણ ઘટના સ્થળે આવતા દલિત સમાજે તેમને પણ ઉગ્ર રજૂઆતો કરી હતી. દરમ્યાન સક્રિય બનેલી પોલીસે મુખ્ય આરોપી દિનુભા રણાને ઝડપી પાડતા દલિત સમાજનો રોષ થોડો ઓછો થયો હતો. જાેકે મૃતકની લાશને પેનલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં પણ દેખાવ થયા હતા.

આરોપીઓનો કેસ ના લડવા ભરૂચ બાર એસોસિએશનનો ઠરાવ 

હુમલાનો ભોગ બનેલા મૃતક જશુભાઈ જાદવ કોર્ટમાં જ નોકરી કરતા હતા. નિવૃત્ત થયા બાદ તેમણે વકીલાત શરૂ કરી હતી. જશુભાઈના મૃત્યુના પગલે ભરૂચ જિલ્લા બાર એસોસિએશને આરોપીઓનો કેસ ન લડવાનો ઠરાવ કર્યો હતો.

પોલીસે આરોપીઓને છાવર્યા મૃતકનો પુત્રનો આક્ષેપ

હુમલાના બનાવ બાદ આરોપીઓ ક્ષત્રિય સમાજના હોવાથી રાજકીય દબાણ હેઠળ પોલીસે ફરિયાદ નોંધવામાં પોલીસે ઢીલાશ રાખી હતી. ફરિયાદ દાખલ થયા બાદ તપાસ અધિકારી એ.એસ.પી. વિકાસ સુંડાને પણ આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવાની રજુઆત કરી હતી. છતાં પોલીસે ૧૦ દિવસ સુધી આરોપીની ધરપકડ કરી ન હતી.

આરોપીએ મદદમાં આવનાર પોલીસ કર્મીની ફેંટ પકડી હોવાનો આક્ષેપ

હુમલા દરમ્યાન ત્યાંથી પસાર થતા એક પોલીસ કર્મી જશુભાઈ જાદવ ની મદદે આવતા આરોપીઓએ તેની સાથે પણ દૂરવ્યવહાર કર્યો હતો. પોલીસ કર્મીની ફેંટ પકડી આરોપીઓ એ તેની વર્ધિ ઉતારાવડાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ પણ દલિત સમાજે કર્યા હતા.