વડોદરા : પ્રતિબંધિત દવાઓ કે જે એનેસ્થેસિયા માટે વપરાય છે. પરંતુ પાર્ટી ડ્રગ્સ તરીકે નશાખોરોમાં ભારે માગ ધરાવે છે. એનો મોટો જથ્થો બિનવારસી મળી આવતાં ભારે ચકચાર જાગી છે. જાે કે, પાલિકાતંત્રે એની ગંભીર નોંધ લઈ કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ પોલીસે કોઈ ધ્યાન આપ્યું નથી. મોટા ઓપરેશન અગાઉ દર્દીઓને બેભાન કરવા માટે એનેસ્થેસિયા તરીકે અપાતા કેટામાઈનના ઈન્જેકશનોનો મોટો જથ્થો ગાજરાવાડી ઈદગાહ મેદાન પાસેની કચરાપેટીમાંથી મળી આવ્યો હતો. હજારોની સંખ્યામાં મળેલા આ ઈન્જેકશનોનો જથ્થો એટલો મોટો હતો કે એનાથી કચરાપેટી ભરાઈ ગઈ હતી અને કેટાડેક્ષ પ૦ નામના પ્રતિબંધિત ઈન્જેકશનો બહાર પણ વેરાયા હતા.

કેટામાઈન હાઈડ્રોક્લોરાઈડ ઈન્જેકશનો રેવ પાર્ટીઓમાં ભારે લોકપ્રિય છે. આજે નશાખોરો ‘રેપડ્રગ્સ’ તરીકે ઓળખે છે. કારણ કે, આ ડ્રગ્સનો કોઈ કલર કે સ્વાદ નહીં હોવાથી પાર્ટીમાં યુવતીઓ કે મહિલાની જાણ બહાર એને ડ્રીંકમાં ભેળવી દેવાય છે અને ત્યાર બાદ ભાન ભૂલી જવાતું હોવાથી યુવતીઓનો ગેરલાભ ઉઠાવી એની સાથે બળાત્કાર ગુજારવામાં આવે છે. સૌથી મોટી વાત તો એ છે કે અમુક માત્રામાં અપાયા પછી જેને આ દવા મિક્સ કરેલું પીણું પીધું હોય એની અમુક સમય પૂરતી યાદશક્તિ પણ જતી રહેતી હોવાથી નરાધમો એનો ભરપૂર ઉપયોગ કરે છે.

કેટામાઈન દવાના આવા ગેરઉપયોગ માટે જરૂરી નથી કે પાર્ટીમાં પીરસાતા દારૂમાં જ એને ભેળવાય, પાર્ટીમાં હાજર રહેલી મહિલાના સોફટ ડ્રીંકમાં પણ એને ભેળવી દેવાય તો પણ એને પીનારી મહિલા કે યુવતી ઉપર જબરજસ્ત અસર થાય છે. સરકારના આદેશ અનુસાર આ કેટામાઈન દવા પ્રિસ્ક્રિપિશન હોય તો જ અપાય છે. પરંતુ પાર્ટીઓમાં એનો ઉપયોગ નશાખોરો કરતા હોય છે. ઈદગાહ મેદાનમાંથી મળેલા જથ્થામાં ઈન્જેકશનના ખોખા ઉપર માર્કેટેડ બાય કુબેર ફાર્માસ્યુટિકલ ૧૧૧, મહાવીર કોમ્પલેક્સ, લીમડાપોળ, રાવપુરાનું સરનામું લખેલું જાેવા મળે છે. જ્યારે મેન્યુફેકચરિંગ લાઈસન્સ નંબર જી/૨૮બી/૧૦ લખી બેચ નંબર કે.ઈ. પ૦૧ છપાયેલું છે. જેનું ઉત્પાદન ૮-૨૦૧૬નું છે અને એક્સપાયરી ડેટ ૭-૨૦૧૮ છે, જેની કિંમત ૧૦૭ છે. ત્યારે હાલમાં ચાલી રહેલા મિશન ક્લિનથી ગભરાઈ કોઈ પેડલરે કે એના ડિસ્ટ્રિબ્યુટરે આનો નાશ કરવા માટે જથ્થો નાખ્યો હોઈ શકે છે. પરંતુ એ બંને રીતે ગુનાહિત કૃત્ય થતું હોવાથી પોલીસે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવી જાેઈએ.

દવાનો જથ્થો કોણ નાખી ગયું તેની પાલિકા દ્વારા તપાસ

ગાજરાવાડી વિસ્તારમાં કચરાપેટીમાં એક્સપાઈરી ડેટનો દવાનો વિપુલ પ્રમાણમાં જથ્થો નાખવાના પ્રકરણને લઈને ખળભળાટ મચી ગયો છે. મોટી માત્રામાં ઈન્જેકશનનો જથ્થો કોણે નાખ્યો? અને મેડિકલ વેસ્ટનો નિકાલ ગેરકાયદે કચરાપેટીમાં નાખી કોણે કર્યો? તે અંગેની તપાસ પાલિકાતંત્રે હાથ ધરી છે. જાે કે, આ જથ્થો કોણે નાખ્યો તે અંગેની તપાસ આસપાસના સીસીટીવી ફુટેજ જાેઈને હાથ ધરવામાં આવી હોવાની તપાસ હાથ ધરી છે.