આણંદ : આણંદ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના ચૂંટણીના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ૧૧૦ ફોર્મ ભરાયા હતા. આંણદ નગરપાલિકા ચૂંટણી માટે કુલ ૧૯૩ ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી સોમવારે હાથ ધરવામાં આવશે. આણંદના રાજકારણીઓ, તેનાં સમર્થકો અને ટેકેદારોએ કોરોના ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કર્યો હતો. હોલમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતી ભીડભાડ વચ્ચે અધિકારીઓએ પણ કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવાની જેની જવાબદારી છે તે પોલીસ તંત્ર મૂક પ્રેકક્ષ બનીને જાેતું રહ્યું હતું.

સામાન્ય પ્રજાને દંડવા હંમેશા તૈયાર પોલીસ તંત્ર નેતાઓ અને તેનાં કાર્યકરો બાબતે મૌનની ભૂમિકામાં જણાયું હતું. ખુદ ચૂંટણી અધિકારી જ માસ્ક વિના ફોર્મ સ્વીકારતાં નજરે ચઢ્યા હતા. મીડિયા કર્મીઓએ વીડિયો ઊતર્યા તો ગુસ્સે ભરાઈ મીડિયા કામગીરીને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો.

આણંદ નગરપાલિકાના ચૂંટણી ફોર્મ સ્વીકારવા ૮૦ ફૂટ રોડ ઉપર આવેલાં સરદાર બેંક્વેટ હોલમાં ગોઠવણી કરાઈ હતી. આંણદ નગરપાલિકાની બાવન બેઠકો માટેની ઉમેદવારી ફોર્મ નોંધવાની પ્રક્રિયા આજે થઈ પૂર્ણ હતી. ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ૧૧૦ ફોર્મ ભરાયા હતા. આંણદ નગરપાલિકા ચૂંટણી માટે કુલ ૧૯૩ ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી સોમવારે હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા માટેનો નિશ્ચિત કરેલ સમય ત્રણ વાગ્યા સુધીનો હતો. તેમ છતાં ચૂંટણી અધિકારી દ્વારા સમય અવધિ વહી ગયાં બાદ પણ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રખાઈ હોવાના આક્ષેપો પણ કરાયાં છે. ફોર્મ સ્વીકારવા બાબતે ચૂંટણી પંચની જાેગવાઈને આગળ ધરી ત્રણ વાગ્યા બાદની કાર્યવાહી યોગ્ય ગણાવી હતી. હોલમાં હકડેઠઠ ભીડ હતી, તેમ છતાં ચૂંટણી અધિકારીએ માસ્ક કાઢી નાખ્યો હતો. આ બાબતે તેઓએ ખુલાસો કરતાં એવું જણાવ્યું હતું કે, ગરમીના કારણે અને તેઓ જે કહેવા માગે છે તે તેમનો કર્મચારી સાંભળતો નહોતો.