કોરોનાવાઈરસથી બચીને રહેવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવો અનિવાર્ય છે. માર્કેટમાં N-95 માસ્ક, ત્રિપલ લેયર સર્જીકલ માસ્ક અને કોટન હોમમેડ માસ્ક સહિત વિવિધ પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે. ઉધરસ, કફ અને બોલતી વખતે નીકળતાં ડ્રોપલેટ્સ હવામાં ન ફેલાય અને હવામાં રહેલાં હાનિકારક ડ્રોપલેટ્સ શ્વાસ મારફતે શરીરમાં ન પ્રવેશે તે માટે માસ્ક પહેરવાનો હોય છે. સિંગલ લેયર કરતાં ડબલ લેયરનો હોમમેડ માસ્ક કોરોનાવાઈરસ સામે વધુ અસરકારક હોય છે તેવો દાવો ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ કર્યો છે.

રિસર્ચમાં પુરવાર થયું કે, સર્જીકલ માસ્ક ડ્રોપલેટ્સ રોકવામાં સૌથી વધુ અસરકારક છે. રિસર્ચમાં સામેલ સંશોધકોના જણાવ્યા અનુસાર, સિંગલ અને ડબલ લેયર હોમ મેડ બંને માસ્ક ડ્રોપલેટ્સને હવામાં ફેલાતા રોકે છે, પરંતુ સિંગલ લેયર માસ્ક કરતાં ડબલ લેયર માસ્કની અસરકારકતા વધુ છે.સંશોધકોના જણાવ્યા અનુસાર, કોઈ પણ માસ્કની અસરકારકતા તેનાં લેયર્સ અને તે કયા પ્રકારના મટિરિયલમાંથી બનેલું છે તેના પર આધાર રાખે છે. સાથે જ તે માસ્કની ચોખ્ખાઈ અને તેને કેટલી વાર ધોવામાં આવે છે તેના પર પણ માસ્કની અસરકારકતા આધાર રાખે છે.