દાહોદ : દાહોદ જિલ્લાના દુર્ગમ વિસ્તારમાં રતનમહાલનો પર્વત વિસ્તાર છે, જ્યાં વાહનો પણ માંડ પહોંચી શકે છે, ત્યાં આજે વીજળી પહોંચી જતાં વનવાસીઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. રતનમહાલના પર્વત ઉપર પણ પાંચ ગામો પૈકી ત્રણ ગામોમાં વનવાસીઓ વસવાટ કરે છે.રતનમહાલ ઉપર આવેલા પીપરગોટા, અલિન્દ્રા અને ભૂવેરો ગામમાં વનવાસીઓ આજીવિકા માટે વિવિધ ખેતી સહિતની વિવિધ પ્રવૃત્તિ કરે છે. આરક્ષિત વન વિસ્તાર હોવાથી અહીં પહોંચવા માટે વન વિભાગની મંજૂરી લેવી પડે છે. વાહન લઇને તમે પીપરગોટા સુધી પહોંચી શકાય છે. વર્ષ ૨૦૧૦માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વનવાસીઓની આ સમસ્યા ધ્યાને લીધી અને એમજીવીસીએલને વનવાસીઓના ઘર સુધી ઇલેક્ટ્રસિટી પહોંચાડવા જણાવ્યું. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના જાફરાબાદથી શિયાળબેટ સુધી વીજલાઇન નાખવાની કામગીરી જેટલી કપરી હતી, અઘરી કામગીરી કંજેટાથી પીપરગોટા સુધીની પાંચેક કિલોમિટરની લાઇન નાખવાની હતી. ૨૦૧૦માં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ એમજીવીસીએલ દ્વારા અહીં અન્ડર ગ્રાઉન્ડ વીજલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઇ હતી. પીપરગોટા સુધી વીજળી પહોંચી. અલિન્દ્રા અને ભૂવેરો સુધી પોલ લઇ જવાનું કામ ૨૦૧૩ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.