વડોદરા, તા.૨૧ 

વડોદરા સેન્ટ્રલ જેલના કંપાઉન્ડમાં બપોરના સમયે મગર આવી જતાં વાઈલ્ડલાઈફ સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત બાદ રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યો હતો, જ્યારે ભાયલી ખાતે માછલી પકડવાની જાળીમાં ફસાયેલા બે સાપને પણ રેસ્કયૂ કરાયા હતા.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવાની સપાટી વધતાં પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધતાં મગરો બહાર નીકળવાનો સિલસિલો શરૂ થયો છે. આજે બપોરના સમયે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા સેન્ટ્રલ જેલના કંપાઉન્ડમાં મગર આવી જતાં આ અંગેની જાણ વાઈલ્ડલાઈફ સંસ્થાને કરાઈ હતી. સંસ્થાના કાર્યકર અરુણ સૂર્યવંશી અને વન વિભાગના શૈલેષ રાવલ તરત જ જેલના કંપાઉન્ડમાં દોડી ગયા હતા અને અડધા કલાકની ભારે જહેમત બાદ પાંચ ફૂટના મગરને રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યો હતો. વન વિભાગે મેડિકલ ચેકઅપ બાદ મગરને ફરી સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ભાયલી ગામ પાસે માછલી પકડવાની જાળીમાં ત્રણ સાપ ફસાયા હતા, જેની જાણ થતાં એનિમલ રેસ્કયૂ વડોદરા ટીમના સ્વયંસેવકોએ ચેકર્ડ ક્લિકબેક તરીકે ઓળખાતા ત્રણ સાપને રેસ્કયૂ કરાયા હતા. જાે કે, જે પૈકી એક સાપ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો, જ્યારે બે સાપને વન વિભાગના

હવાલે કર્યા હતા.