લોનિંગ એપના ત્રાસથી દેશમાં અનેક લોનધારકોએ આપઘાત કરી લીધા છે ત્યારે રીઝર્વબેંકે સતર્ક થવાની જરુર

લોનિંગ એપ્સ ૩૫ ટકા સુધીનું વ્યાજ અને દિવસની રુપિયા ૩,૦૦૦ સુધીની પેનલ્ટી ફટકારે છે!

વ્યાજ વસૂલવા લોનધારકને બેઈજ્જત કરે છે, બદનામ કરે છે, એફઆઈઆર દાખલ કરવાની અને ખાતું બ્લોક કરવાની ધમકી આપે છે

ઈન્સટન્ટ લોન આપનારા મોબાઈલ એપ્સ દ્વારા કરાતી છેતરપિંડી બાબતે રીઝર્વબેંકે મોડે મોડે પણ લોકોનું ધ્યાન દોર્યું. આમાં રીઝર્વબેંકની સતર્કતાની પ્રશંસા કરવી, કે પછી આ પ્રકારની છેતરપિંડી કરીને ગરીબો અને લાચારોનું શોષણ કરનારા દેશ-વિદેશના આવા અનેક ઠગો તરફ બેંકનું ધ્યાન મોડું ગયું તે બદલ તેની ટીકા કરવી, તે સમજાતું નથી.

દેશમાં અસંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓની આવી હાલત કંઈ આજની નથી. બેંકનું ધ્યાન ગયું તેની પાછળ કોરોનાકાળ પછીની આપઘાતની અનેક ઘટનાઓ જવાબદાર છે. આપઘાત કરનાર જે-તે લોનધારકે પોતાના અજ્ઞાનવશ આવી લોન લીધી તેની ટીકા કરવા કરતા, એવા મજબૂર લોકોની લાચારીનો લાભ ઉઠાવીને કેટલાંક લેભાગુ ગઠિયાઓ બેંકને ગંધ પણ ન આવે એ રીતે, પોતાનો ગોરખધંધો ચલાવી ગયા એની નોંધ લેવી જરુરી છે.

તેલંગણમાં પોતાના પાંચ માસના પુત્રને ગળાફાંસે લટકાવીને એક બાપે આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક યુવતી આવા જ એપની લોનના ચક્કરમાં એવી રીતે ફસાઈ કે તેની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો ન બચ્યો. આવા કિસ્સા અનેક રાજ્યોમાં થયા છે. રીઝર્વબેંકે આ બાબતે લોકોનું ધ્યાન દોર્યું એમ કહેવાને બદલે સાચી વાત તો એ છે કે, આ પ્રકારે બનેલા અનેક કિસ્સાઓએ રીઝર્વબેંકનું ધ્યાન દોર્યું.

કોઈકને સવાલ એ થાય કે, નાની લોનમાં આવા લોનધારકો આપઘાતની હદ સુધી કેવી રીતે પહોંચી જતા હશે. આ પ્રકારના લોન એપથી તમે લોન લો તો થોડા સમયમાં જ તમારું દેવું આસમાને પહોંચી જાય છે. થોડાક હજારનું દેવું લાખોમાં પહોંચી જાય છે. તામિલનાડુની એક ઓફિસર યુવતીનું ઉદાહરણ બસ થઈ પડશે. આ છોકરીએ માત્ર પાંચ હજાર લઈને કેટલાંક ખેડૂતોને મદદ કરી હતી. તો તેનું વ્યાજ દિવસે ને રાત્રે વધીને થોડા જ મહિનાઓમાં વધીને કુલ ૨.૬૧ લાખ રૂપિયા સુધીની રકમ ભરવાની થઈ ગઈ.

વળી આવા એપથી લોન આપનારા વ્યાજખોરો વ્યાજ અને પૈસા કઢાવવા માટે કોઈપણ હદ સુધી ચાલ્યા જાય છે. તેઓ ફોન કરીને ગ્રાહકને અપશબ્દો કહીને હલકી ભાષા વાપરે છે, અને પોલીસમાં એફઆઈઆર નોંધાવવા સુધીની ધમકીઓ પણ આપે છે. એટલું ઓછું હોય એમ ક્યારેક વળી ખાતું બ્લોક કરવાની ધમકી પણ આપે છે. ક્યારેક તેઓ લોનધારકના ફોનલિસ્ટના તમામ સંપર્કોને તેની લોન લીધાની જાણ કરીને તેને બેઈજ્જત કરે છે, બદનામ કરે છે. તેમની ધમકીઓથી ગભરાઈને છેવટે ગભરુ ગ્રાહકો મોતને વહાલું કરી લે છે, કેમ કે,એ સિવાય તેમને કોઈ ઉપાય દેખાતો નથી.

તેલંગણ ઉપરાંત દેશના અનેક વિસ્તારોમાં આ પ્રકારના કેસો નોંધાઈ ચૂક્યા છે. હૈદરાબાદ પોલીસે આવા ૨૭ થી વધારે કેસો નોંધ્યા છે, અને તામિલનાડુમાં આવા ૧૦૦ થી વધારે કેસો નોંધાયા છે. ગયા સપ્તાહે થયેલી ધરપકડમાં કેટલાંક ચીની મૂળના લોકો સાથે ૩૦ જણાંની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ અને સાયબરાબાદમાં પોલીસે સર્ચ કર્યા બાદ આ પ્રકારના ૨૦૦ જેટલા એપ્સ બ્લોક કરવાની વિનંતી કરી છે.

આ ઠગ-લોન એપ કંપનીઓનો કોઈ કંપની યા બિન-નાણાકીય સંસ્થા સાથે કશો સંબંધ નથી હોતો. તેઓના એપને આસાનીથી પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. લોનની પ્રક્રિયા તદ્દન સરળ હોય છે. તમારે એપ ડાઉનલોડ કરીને તમારી વ્યક્તિગત માહિતી અપલોડ કરવાની હોય છે. ઉપરાંત ત્રણ મહિના સુધીનું બેંક સ્ટેટમેન્ટ તથા પાનકાર્ડ અને આધારકાર્ડની કોપી અપલોડ કરતાં સરળતાથી રુપિયા ૧ હજારથી માંડીને રુપિયા ૫૦,૦૦૦ સુધીની લોન મળી જાય છે.

વ્યાજનું વસમું ચક્કર ત્યારબાદ શરુ થાય છે. આ એપ દ્વારા લીધેલી લોન પર ૩૫ ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવે છે. એવા અને એટલા બધા ચાર્જીસ લેવાય છે, જેની તમે ક્યારેય કલ્પના પણ કરી નહીં હોય. જેમ કે, ૫૦૦૦ રુપિયાની લોન માટે જીએસટી અને પ્રોસેસિંગ ચાર્જના નામે રુપિયા ૧,૧૮૦ વસૂલાય છે. એટલે કે, તમે લોન રુપિયા ૫,૦૦૦ની લીધી હોય તો તમને મળશે, ૩૮૨૦ રુપિયા.

આ એપ મહિના, અઠવાડિયા કે દિવસો પ્રમાણે વ્યાજ વસૂલે છે અને તે માટે તેણે ગુડગાંવ હરિયાણા સહિતના દેશના શહેરોમાં પોતાના ટેલિકોલિંગ સેન્ટરો બનાવ્યા છે. ઉપરાંત કંપનીએ રીકવરી એજન્ટ રાખ્યા હોય છે, જે ઉઘરાણીનું કામ કરે છે. આવા લોન આપીને પઠાણી ઉઘરાણી કરીને સામાન્યજનનું જીવન બરબાદ કરનારા એપમાં કેશ મામા, કેશ અપ, લોન ઝોન, કેશ બસ, ધનધનાધન લોન, મેરા લોન, હે ફીશ, મંકી કેશ, કેશ એલિફન્ટ, વોટર એલિફન્ટ, ક્વિક કેશ, લોન ક્લાઉડ, કિશ્ત, ઈન્સ્ટા રુપયે લોન વગેરે જેવા ૨૦૦ થી વધારે લોન-એપ સામેલ છે.

લોન લેનાર જેવો પોતાનો મોબાઈલ નંબર આવા એપ પર શેર કરે કે સાથે જ, ૨૦ થી ૩૦ જેટલા અન્ય એપ્સ પરથી પણ લોન માટે ફોન આવવા લાગે છે. એકવાર બેંકમાં પૈસા જમા થાય કે ટૂંક સમયમાં જ તમારી પાસે ૩૫ ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવે છે. નિયત તારીખે હપ્તો ભરવામાં ન આવે તો, ત્યારબાદના દરેક દિવસે રુપિયા ૩,૦૦૦ સુધીનું તગડું વ્યાજ તમારા ખાતામાં ઉધારવામાં આવે છે. આમ, તમારી બેંકમાંથી લોનની રકમ પૂરી થાય એ પહેલાં તો એનાથી અનેકગણું વ્યાજ વધી ગયું હોય છે. વળી કેટલાંક લોકો એક લોનની રકમ ચૂક્તે કરવા બીજા એપ પાસેથી લોન લે છે, અને આમ તેઓ લોન-એપ્સની જંજાળમાં વધારેને વધારે ફસાતા જાય છે.

આવી લેભાગુ લોનિંગ-એપ કંપનીઓ ગ્રાહકોને તદ્દન ઓછી વિગતો માંગીને તેમને રકમ ધીરતી હોવાથી મોટી સંખ્યામાં લોકો લોન લેવા લલચાય છે. આવી કંપનીઓ સી-બિલ રેકોર્ડ કે એવી બીજી કોઈ વિગતો માંગતી નથી અને આસાનીથી લોન આપી દે છે. વાસ્તવમાં ગ્રાહકોની લોન ભરપાઈ કરવાની ક્ષમતા માટે સી-બિલ સ્કોર જાેવો મહત્વનો હોય છે. ઉપરાંત બીજી બેંકોના લેણાં બાબતે પણ માહિતી મળવી જરુરી હોય છે. કેટલીક નાણાં ધીરતી કંપનીઓના એપ આવી વિગતો માંગે છે, પણ તેમની સંખ્યા ઘણી ઓછી છે. રીઝર્વબેંકે ગયા વર્ષે કેટલાક એપ્સ વિશે એડવાઈઝરી મોકલી હતી કે તેઓ કઈ બેંક, કે પછી બિન-નાણાંકીય સંસ્થા યા કંપની એનએફબીસી સાથે જાેડાયેલા છે, તેની વિગતો આપતા નથી.મુશ્કેલી એ છે કે, રીઝર્વબેંકે આવા લેભાગુ લોનિંગ-એપ્સને નાથવા માટે કોઈ ધારા-ધોરણો હજી બનાવ્યા નથી.