આણંદ : આણંદ-નડિયાદ સહિત સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. કોરોનાની મહામારીને કારણે પાછળ ઠેલવામાં આવેલી ચૂંટણી હવે યોજવાની કવાયતો તેજ થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવતાં રાજકીય પક્ષોમાં પણ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ટિકિટ મેળવવા માટે પણ મુરતિયાઓએ તડજાેડ શરૂ કરી દીધી છે! ઉત્તરાયણ પછી કોની કપાશે - કોની ચગશે?, એવો સવાલ હાલ મતદારોમાં પૂછાઈ રહ્યો છે. 

તાજેતરમાં રાજ્યભરના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના ચૂંટણીપંચ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. હાલ એવું કહેવાય છે કે, ઉત્તરાયણ પછી ચૂંટણીને લગતી કવાયત તેજ કરવામાં આવશે. કોર્પોરેશન અને પાલિકાઓની ચૂંટણીઓ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં યોજવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ ફેબ્રુઆરીના અંતમાં યોજવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, તાજેતરમાં જ ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજીને ચૂંટણીને લગતી વિવિધ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. ચર્ચામાં મતદાર યાદી, મતદાન મથકો, ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન, ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાનારો સ્ટાફ, કોરોનાકાળમાં કઈ-કઈ બાબતોની કાળજી રાખવી પડશે વગેરે વિશે લાંબી ચર્ચા કરવામાં આવી હતી. કોરોના મહામારીના સંક્રમણને લઈને આ ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ, પોલીસને વિવિધ સામગ્રીઓ પૂરી પાડવી પડશે. ખાસ કરીને માસ્ક, સેનિટાઇઝર્સ વગેરે આપવા પડશે. મતદારો માટે પણ સેનિટાઇઝર્સ, માસ્કની વ્યવસ્થા ગોઠવવી પડશે.

આ ઉપરાંત સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણીનું શેડ્યૂઅલ શું રાખવું તે વિશે પણ ચર્ચા-વિચારણા થઈ હતી. સ્થાાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં યોજવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે હાલ તો ચર્ચા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે, ઉત્તરાણ પછી ૧૬મી જાન્યુઆરી બાદ કોર્પોરેશન અને પાલિકાઓની ચૂંટણીઓનું વિધિવત જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ ચૂંટણીઓ ૧૫ ફેબ્રુઆરીની આજુબાજુ યોજવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ ત્યાર પછી ફેબ્રુઆરીના અંતમાં યોજાઈ શકે છે.

ચૂંટણી પંચની કવાયત બાદ રાજકીય પક્ષોમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસના મુરતિયાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને અંદરખાને લોબિંગ તેજ કરી દીધું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અન્ય રાજકીય પક્ષો એનસીપી, આમ આદમી પાર્ટી દ્વારા પણ તૈયારી આદરી દેવામાં આવી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP), અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ની સાથે મળીને ચૂંટણી લડશે, તેવી જાહેરાત થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવાએ કહ્યું છે કે, તેમની પાર્ટી (બીટીપી) અને અસદુદ્દીનની પાર્ટી ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં સાથે મળીને ચૂંટણી લડશે. શક્યતા એવી જાેવાઈ રહી છે કે, બંને પક્ષો ભેગાં થઈને ચરોતરમાં પણ ઉમેદવારો ઊતારી શકે છે. BTPના રાષ્ટ્રીય પ્રમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ કહ્યું કે, મેં ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઔવેસીના પક્ષ AIMIM સાથે ગઠબંધન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે તેમણે સ્વીકારી લીધો હતો. ઔવેસીની પાર્ટી જે પણ રાજ્યમાં ચૂંટણી લડે છે ત્યારે કાૅંગ્રેસ અને અન્ય પાર્ટીઓને નુકસાન થાય છે, તેવું આ પાર્ટીઓ સ્વીકારે છે. બીટીપી અને ઔવેસીની પાર્ટી એકસાથે આવવાથી ભાજપ, કોંગ્રેસ અને બીટીપીમાંથી કોને ફાયદો અને કોને નુકસાન થશે તે આવનારાં સમયમાં ખબર પડી જશે.