બાયડ : અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચાંપલાવત ગામે આવેલી દૂધ મંડળીના ગેરવહીવટ સામે ગામના લોકો અને મહિલાઓમાં અસંતોષની લાગણી ભભૂકી ઉઠી છે. ગામલોકો અને મહિલાઓએ દૂધ મંડળીને તાળાબંધી કરી હતી. જે સાંજના સમયે ચેરમેન સેક્રેટરી અને સાબરડેરીના અધિકારીઓએ સ્થાનિક પોલીસ બોલાવીને મંડળીની તાળાબંધી ખુલ્લી કરી હતી. ગામના દુધ ઉત્પાદક સભાસદોનું કહેવું છે કે અત્યાર સુધી સાબરડેરીના અધિકારીઓને અમારી તકલીફ સાંભળવાનો સમય મળતો ન હતો. પરંતુ દુધ મંડળીને તાળાબંધી કરતાં દોડી આવ્યા છે. વધુમાં ગામલોકો કહેવું છે કે, છેલ્લા એક મહિનાથી મંડળીમાં દૂધ ભરતા સભાસદોને દૂધના નાણાની ચૂકવણી કરવામાં આવી નથી. મંડળીના અધિકૃત વહીવટદારો તેમની મન મરજીથી વહીવટ ચલાવે છે. દુધ ભરનાર ગ્રાહકો મંડળીમાં પેમેન્ટ લેવા જાય તો મંડળીના મંત્રી ખોટી રીતે ધમકાવે છે. દુધ ભરતા ગ્રાહકોનું કહેવું છે કે, અમને મંડળીમાંથી સમયસર નાણાં ન મળતાં બજારમાં અમારો વહેવાર જળવાતો નથી. કોરોનાની મહામારીમાં આર્થિક મંદીમાં અમારી શાખને ગંભીર નુકસાન પહોંચે છે. ઓડિટ થાય ત્યારે થાય પરંતુ હાલ તો નાણાં વગરના નાથિયા જેવી હાલત બની ગઇ છે.સામે પક્ષે ચાંપલાવત દુધ મંડળીના ચેરમેન તથા સેક્રેટરીનું કહેવું છે કે, મંડળીમાંથી કેટલાક સભાસદોએ ગાય, ભેંસ લાવવા લોનો લીધી હોઈ તેઓ હપ્તાના નાણાં ન ભરતા હોવાથી મંડળીના દૂધના સામુહિક નાણાંમાંથી રકમ કપાઈ જતાં અમે દુધ ઉત્પાદકોના નાણાં ચુકવી શકતા નથી.