ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં સાવચેતી સલામતિ અને સતર્કતા રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા પગલાંઓમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ અગાઉ જ્યારે કોરોનાનો વ્યાપ વધ્યો ત્યારે સરકારના પગલાંઓ ઉપાયોને જનતાએ સમર્થન અને સહયોગ આપીને રાજ્યમાં કોરોનાનું ઓછામાં ઓછું સંક્રમણ થાય તેવી સ્થિતિ સર્જી હતી. હવે આ વખતે પણ ફરી સંક્રમણ દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ વધ્યું છે ત્યારે કેટલાક નિયંત્રણો સરકારે લાદવા પડ્યા છે તેને પણ ગુજરાતના સૌ નાગરિકો વ્યાપક હિતમાં સમર્થન આપે તેવી અપીલ વિજય રૂપાણીએ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેઈસ બુક માધ્યમથી રાજ્યના નાગરિકોને સંબોધન કરતા સ્પષ્ટ કહ્યું હતું કે લોકોએ અફવાઓથી ગભરાવાની કોઈ જરૂર નથી.

મુખ્યમંત્રીએ નાગરિકોને એવો વિશ્વાસ આપ્યો કે રાજ્યમાં ફરીથી લોકડાઉન આવવાનું નથી જ કે કોરોનાને કારણે સરકાર કોઈ ધંધા રોજગાર પણ બંધ કરવાની નથી. મુખ્યમંત્રી રૂપાણીએ નાગરિકોને એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસના મુદ્દે સરકાર ખૂબ જ ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. એટલું જ નહીં કેસ કઈ રીતે ઘટાડવા અને નવા આવેલા કેસોની સતત ટ્રીટમેન્ટ થાય લોકો સાજા થઈને જલ્દી પાછા જાય તે માટે પણ યોગ્ય કાર્યવાહી આ સરકાર કરી રહી છે.  કોરોનાનું આ સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે સરકારે થોડાંક પગલાંઓ લેવાં પડ્યાં છે. મહાનગરોમાં શાળા-કોલેજાેમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું છે. તો ઓનલાઇન શિક્ષણ આપણે ચાલું જ રાખ્યું છે. કેટલાક મહાનગરોમાં રાત્રિ કર્ફ્‌યુનો સમય વધારવો પડ્યો છે. હોટલ-રેસ્ટોરન્ટ્‌સ પર અમુક અંકુશો લાદવા પડ્યા છે એમ મુખ્યંત્રી રૂપાણીએ જણાવ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે, ફરી એકવાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાયેલા આ આકરા પગલા રોજિંદા જીવનમાં થોડી અગવડ ઊભી કરશે. જનતાને થોડું બંધિયાર મહેસૂસ થશે. પરંતુ, આ કરવું જરૂરી હતું.

તેમણે ઉમેર્યું હતું કે જાહેર-જનતાને કોરોનામાં ઓછામાં ઓછી તકલીફ પડે, લોકોને હેરાન ન થવું પડે, ઘંઘા-રોજગાર પર અસર ન પડે એની ચિંતા આ સરકારે કરી છે અને આગળ પણ કરતી રહેવાની છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ કોરોનાની લહેર દેશ સહિત ગુજરાતમાં હતી ત્યારે પણ આપણે આવા નિયંત્રણો લગાવવા પડ્યા હતા અને તે વખતે ગુજરાતની જનતાએ પૂરો સહકાર પણ આપ્યો જ હતો. જ્યારે સંક્રમણ કાબૂમાં આવ્યું ત્યારે જાહેર જનતાને તકલીફ ન પડે એ મુજબ નિયમો હળવા પણ કરી દીધા હતા. ત્યારબાદ સંક્રમણ થોડું વધ્યું હતું, ત્યારે આપણે પાછા સાવચેત થયા હતા, જરૂરી પગલાં લીધાં હતાં અને સંક્રમણ ઘટાડ્યું હતું એટલા જ માટે આપણે ભૂતકાળમાં કોરોના સામેની લડાઈમાં સફળ રહ્યા છીએ એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.કોરોનાના સંક્રમણકાળમાં અગાઉ લેવામાં આવેલા અનેક પ્રયાસોની પ્રશંસા સુપ્રીમ કોર્ટ, વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને આઇઆઇએમ જેવી અનેક સંસ્થાઓએ પણ કરી હતી એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અત્યાર સુધી કોરોના સામેની લડાઈમાં સરકારે જે જે ર્નિણયો કર્યા તેને રાજ્યની જનતા એ પૂરો સહયોગ અને સમર્થન આપ્યા જ છે. રૂપાણીએ જણાવ્યું કે, હવે જ્યારે ફરીથી કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે જાહેર જનતા પાસેથી અગાઉ જેવી જ સાવચેતી અને સહકારની અપેક્ષા સરકાર રાખી રહી છે. એક બાજુ રાજ્યમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે, હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ્‌સ અને તમામ પ્રકારની જરૂરી દવાઓ ઉપલબ્ધ પણ કરાવી દેવામાં આવી છે. બીજી બાજુ વેક્સિનેશનનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

રૂપાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે, જાન ભી હૈ જ્હાન ભી હૈ એ મુજબ આપણે બધુ જ સંતુલન કરવાનું છે. હવે નવું કોઈ લોકડાઉન થવાનું નથી, કોઈના ધંધા-રોજગાર બંધ થવાના નથી. થોડા નિયંત્રણો સાથે રાબેતા મુજબ જ ચાલવાનું છે. કોઈએ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવાનો નથી કે ગભરાવાની બિલકુલ જરૂર નથી એ વાત તેમણે ભાર પૂર્વક દોહરાવી હતી. અત્યારે કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આપણે ફરી એકવાર કડક પગલા લીધા છે, જ્યારે કેસોમાં ઘટાડો થશે એટલે પાછું બધુ રાબેતા મુજબ ચાલું થઇ જશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, માસ્કના દંડ ના પૈસા રૂપિયામાં સરકારને કોઇ રસ નથી. આપણે તો માસ્ક ન પહેરનારા લોકો પાસેથી હાઇકોર્ટના આદેશ રૂપિયા ૧૦૦૦ દંડ લઇ રહ્યા છીએ.