મધ્યપ્રદેશ-

મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. આવી સ્થિતિમાં રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યાં હતા. પરંતુ અહીં તેઓ પોતે પૂરની વચ્ચે ફસાઈ ગયા હતા. તેમને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવા પડ્યા હતાં.

મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પૂર પીડિતોને મળવા માટે દાતિયા પહોંચ્યા હતા. આ દરમિયાન ગૃહમંત્રીને જાણકારી મળી હતી કે પૂર પ્રભાવિત મારુનેદ ગામમાં કેટલાક લોકો મકાનની છત પર ફસાયા છે. આ પછી તેઓ એસડીઆરએફની એક હોડીમાં સવાર થઈને લોકોની મદદ કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે એક ઝાડ હોડી પર પડ્યું અને હોડી પૂરમાં ફસાઈ ગઈ. આ પછી તેમના ફસાઈ જવાની જાણકારી સરકારી અધિકારીને મળતા તેઓએ ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર મોકલ્યું અને ગૃહમંત્રી સહિત 9 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જેનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ગૃહમંત્રીની હોડી પૂરમાં ફસાઈ છે. આ પછી રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા ઈન્ડિયન એરફોર્સના એક હેલિકોપ્ટરને અહીં બોલાવવામાં આવ્યું અને દોરીની મદદથી ગૃહમંત્રીને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. નરોત્તમ મિશ્રાને દોરીથી બાંધીને તેમને દોરીથી ઉપર ખેંચવામાં આવ્યાં હતા.