વડોદરા : કડાણા ડેમમાંંથી મહીનદીમાં બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં મહીસાગર નદીની સપાટી વધીને ૧ર મીટર થઈ છે. ત્યારે વડોદરા અને ખેડા જિલ્લાને જાેડતા ગળતેશ્વર બ્રિજને લગોલગ પાણી વહેતાં તકેદારીના ભાગરૂપે વાહનવ્યવહાર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સિંધરોટ, વાસદ બ્રિજ પર બે કાંઠે વહેતી મહીનદી જાેવા માટે લોકોની ભીડ જામી હતી. ભારે વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની આવક વધતાં ગત રાત્રે ૧.૮૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી તકેદારીના ભાગરૂપે વડોદરા જિલ્લાના સાવલી, ડેસર, વડોદરા અને પાદરા તાલુકાના મહીકાંઠાના ૬૦ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કડાણા ડેમમાંથી મહીસાગરમાં છોડાયેલા પાણીને પગલે વડોદરા-ખેડાને જાેડતા ગળતેશ્વર બ્રિજ ડેસરના મામલતદારે તકેદારીના ભાગરૂપે વાહનવ્યવહાર માટે બંધ કર્યો છે. સાંજે મહીસાગરની સપાટી ૧૨.૧૦ મીટર નોંધાઈ હતી.

વડોદરામાં છૂટોછવાયો અડધો ઈંચ વરસાદ

વડોદરા શહેરમાં આજે આંશિક વાદળિયું વાતાવરણ તેમજ ઉઘાડ સાથે છૂટાછવાયા હળવા વરસાદના ઝાપટાં જારી રહ્યાં હતાં. જાે કે, વડોદરામાં દિવસ દરમિયાન ૯ મિ.મી., વાઘોડિયા અને પાદરામાં ૩ મિ.મી. વરસાદને બાદ કરતાં જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદે વિરામ પાળ્યો હતો.