અમદાવાદ-

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, કેન્દ્રની કોંગ્રેસ સરકારે વર્ષ 2011માં રાજ્યની 15000 કરતા વધુ પ્રાથમિક શાળાઓના સામાન્ય વર્ગનાં બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ મળી રહે તે હેતુથી ધોરણ 1થી 8 ધોરણની શાળાઓમાં કોમ્પ્યુટર લેબ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી હતી, પરંતુ માત્ર 9 વર્ષમાં એટલે કે 2020માં મોટાભાગની શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બંધ છે.

ભાજપ સરકારે પાંચ વર્ષથી કોમ્પ્યુટર શિક્ષકની એક પણ ભરતી કરી ન હોવાથી કોમ્પ્યુટર લર્નિંગ ગ્રામ્ય વિસ્તારનાં બાળકો માટે માત્ર જાહેરાત બની રહ્યું છે, ત્યારે કરોડો રૂપિયાનાં ખર્ચે ઉભી કરાવેલી કોમ્પ્યુટર લેબને ઇ-વેસ્ટ તરીકે જાહેર કરી દીધા છે. ડૉ. મનીષ દોશીએ સર્વ શિક્ષા અભિયાનનાં કરોડો રૂપિયાની કોમ્પ્યુટર સહિતના સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર અને હવે ઇ- વેસ્ટનાં નામે ગેરરીતિ અંગે દિશાવિહીન શિક્ષણ વિભાગ પાસે જવાબની માંગણી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોના મહામારીમાં શાળા સંપૂર્ણ બંધ છે. આવા સમયે સરકાર દ્વારા કોમ્પ્યુટર લેબને તાળા મારવાનો નિર્ણય કર્યો છે. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું કે, એક બાજુ સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ લર્નિંગ તથા સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે, પરંતુ બીજી બાજુ ગુજરાતની 3017 સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબની કોઈ સુવિધા જ નથી અને હવે જે શાળામાં કોમ્પ્યુટર લેબ હતી તેને પણ તાળા લાગી જશે.કચ્છમાં 739 શાળાઓ, દેવભૂમિ દ્વારકામાં 292 શાળા અને દાહોદમાં પણ 327 શાળામાં કોમ્પ્યુટર લેબ નથી. આ ઉપરાંત ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં 43 શાળાઓમાં અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની 98 શાળાઓમાં પણ કોમ્પ્યુટર લેબની સુવિધા નથી.