કચ્છ-

અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય મરીન બાઉન્ડરીલાઇન પાસે કુખ્યાત પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી અવારનવાર ભારતીય માછીમારોને ઉપાડી જાય છે. કચ્છના દરિયા પાસે તેની ગતિવિધિ હંમેશાં શંકાસ્પદ રહી છે. એવામાં જ તાજેતરમાં પાકિસ્તાનની આ કુખ્યાત એજન્સીએ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સરહદ પાસે પોતાના વિસ્તારમાં સમુદ્રી કવાયત યોજી હતી, જેમાં જંગી જહાજ અને હેલિકોપ્ટરે પણ ભાગ લીધો હતો. ભારતીય એજન્સીઓએ આ સમગ્ર કવાયત પર વોચ રાખી હતી. આ અંગે મળતી વિગતો મુજબ, કચ્છની રણ, ક્રીક અને દરિયાઇ સરહદ પાસે પાકિસ્તાન સતત સુવિધાઓમાં વધારો કરી રહ્યું છે. ખાસ કરીને લશ્કરી સરંજામનાં સાધનો અને માળખાગત સુવિધાઓ વધારવામાં આવી રહી છે.

જાેકે ભારતની તૈયારીઓ અને લશ્કરી સાધનો સામે પાકિસ્તાનનાં સાધનો મામૂલી છે. તેમ છતાં પાકિસ્તાન જેવા દેશની તમામ ગતિવિધિ પર નજર રાખવી જરૂરી હોય છે. હાલ પાકિસ્તાન અરબ સાગરમાં પોતાની તાકાતમાં સતત વધારો કરી રહ્યું છે. અવારનવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવા માટે કુખ્યાત એજન્સી પાકિસ્તાન મરીને તાજેતરમાં આઇએમબીએલ પાસે સમુદ્રી કવાયત હાથ ધરી હતી. જાણે યુદ્ધ અભ્યાસ હોય તેવી કવાયત હાથ ધરાઇ હતી. આ કવાયતમાં પાક. મરીન સિક્યોરિટી એજન્સીનાં ત્રણ જહાજની સાથે હેલિકોપ્ટર જાેડાયું હતું. અરબ સાગરમાં પોતાની હદમાં કરાયેલી આ કવાયત એક દિવસ ચાલી હતી.

દરિયામાં દુશ્મનની બોટ સુધી કેવી રીતે પહોંચવું તથા તેને કેવી રીતે પકડવા તથા બોટને દરિયામાં જ જળસમાધિ આપી દેવી એવી તૈયારીઓ હાથ ધરાઇ હતી. આમ તો પાકિસ્તાનની મરીન એજન્સી અને નેવી ભારતની સરખામણીએ ખૂબ જ કમજાેર છે, તેથી વારંવાર અરબ સાગરમાં પોતાને ખોટી રીતે તાકતવર બતાવવા પાકિસ્તાની એજન્સીઓ આવી રીતે કવાયત હાથ ધરીને બડાઇ મારતી હોય છે. જાેકે ભારતીય એજન્સીઓની પાકની આ તમામ ગતિવિધિઓ પર નજર હોય છે. ભારતની તૈયારીઓ તેની સામે વધારે મજબૂત છે.