વડોદરા, તા.૨૦

રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા ઓએસીસ સંસ્થાની કાર્યકર યુવતી પર વડોદરામાં થયેલા બળાત્કાર અને ત્યારબાદ યુવતીનો ટ્રેનમાં આપઘાત કરવાના બનાવમાં ઓએસીસ સંસ્થાની મહિલા ટ્રસ્ટીએ પિડિતાની ડાયરીના ફાટેલો પાનનો ફોટો રેલવે પોલીસને આપતા આ બનાવમાં સંસ્થાની વધુ એક ગંભીર બેદરકારી સપાટી પર આવી છે. આ કેસમાં ઓએસીસ સંસ્થાના ટ્રસ્ટીઓ અને કાર્યકરોની પણ ભુમિકા શંકાસ્પદ હોવાનું સપાટી પર આવતા રેલવે પોલીસે સંસ્થાના સર્વેસર્વા મનાતા સંજીવ શાહ તેમજ તેમની પત્ની પ્રિતી નાયર સહિત પાંચ હોદ્દેદારોના મોબાઈલ ફોન જપ્ત કરી તે તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે.

મુળ નવસારીની ૧૮ વર્ષીય યુવતી વડોદરાની વિવાદાસ્પદ ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ કરી સંસ્થાના પબ્લિકેશન વિભાગમાં કાર્યરત હતી. જાેકે યુવતીએ વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત કર્યા બાદ તેની ડાયરીની તપાસમાં તેની પર વડોદરામાં વેકસીન ઈન્સ્ટીટ્યુટમાં ગેંગરેપનો ઘટસ્ફોટ થતાં હાલમાં સમગ્ર પોલીસ તંત્ર આ કેસની તપાસમાં દોડધામ કરી રહ્યું છે. આ કેસમાં વડોદરા, અમદાવાદ પોલીસ સાથે રેલવે પોલીસની ટીમો પણ તપાસ કરી રહી છે પરંતું ૧૫ દિવસ બાદ પણ પોલીસને આ કેસમાં યુવતી પર બળાત્કાર કરનાર આરોપીઓના કોઈ સગડ મળી શક્યા નથી. આ કેસની તપાસમાં પિડીતા યુવતીની રોજમેળ ડાયરીના કેટલાક પાના ફાડી નાખવાની વાત સપાટી પર આવતા ચકચાર મચી હતી જેની તપાસમાં ઓએસીસ સંસ્થામાં ભલે હાલમાં કોઈ હોદ્દો ધરાવતા ન હોય પરંતું સંસ્થાના સર્વેસર્વા મનાતા સંજીવ શાહની પત્ની પ્રિતી નાયરે તેની પાસે પિડિતાની ડાયરીના ફાટેલા પાનના ફોટા હોવાની જાણ થતાં પોલીસે પ્રિતી પાસેથી ડાયરીના ફાટેલા પાનના ફોટા મેળવ્યા હતા.

પ્રિતી નાયર પાસે ડાયરીના ફાટેલા પાનના ફોટા કેવી રીતે આવ્યા તે અંગે આ બનાવની તપાસ કરતા રેલવે પોલીસની ડીવાયએસપી ડી.એસ.જાદવે જણાવ્યું હતું કે પિડિતા યુવતી સાથે કામ કરતી વૈષ્ણવી નામની યુવતીએ ફાટેલા પાનના ફોટા પ્રિતીને તે કાશ્મીરમાં હતી તેને અને અન્ય હોદ્દેદારોન પણ મોકલ્યા હતા. પ્રિતી અત્રે આવ્યા બાદ તેણે ફોનમાંથી આ ફોટા શોધીને રેલવે પોલીસને આપ્યા છે. દરમિયાન આ કેસમાં ઓએસીસ સંસ્થાના ટ્રસ્ટીઓ સહિતના હોદ્દેદારોની એક પછી એક ભેદી ભુમિકા સપાટી પર આવ્યા બાદ હવે તેઓ આપઘાત અને બળાત્કાર કેસમાં ચોક્કસ કારણોસર મહત્વની વાત છુપાવી રહ્યા હોવાની રેલવે પોલીસને શંકા હોઈ પોલીસે આજે ઓએસીસ સંસ્થાના ટ્રસ્ટી પ્રિતી નાયર, તેમના પતિ સંજીવ શાહ તેમજ સંસ્થાના શૈલેષ શાહ, અવધિ અને વૈષ્ણવીના મોબાઈલ ફોન કબજે કર્યા હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પિડિતાનો મોબાઈલ ફોન તેમજ તેના કપડા, ડાયરી અને તેણે લખેલા અન્ય કાગળોની પ્રત એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા બાદ હવે આજે કબજે કરેલા સંસ્થાના પાંચેય અગ્રણી-કાર્યકરોના ફોન પણ એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં

આવ્યા છે.

પીડિતાનો અંતિમ મેસેજ ‘સંજીવભાઈ પ્લીઝ સેવ મી...’

પિડીતાએ ૩જી નવેમ્બરની રાત્રે આપઘાત અગાઉ તેના મોબાઈલ ફોનથી ઈમરજન્સી નામે સેવ કરેલા સંસ્થાના સર્વેસર્વા મનાતા સંજીવ શાહને સૈાપ્રથમ દિલગીરી વ્યક્ત કરીને અંગ્રેજીમાં મેસેજ કરી જણાવ્યું હતું કે ‘સંજીવભાઈ મહેરબાની કરીને મને બચાવી લો, હું મહારાષ્ટ્રના કામ માટે નીકળતા તે વ્યકિત મારો પીછો કરી રહ્યો છે અને તે કોઈ પણ રીતે મારી હત્યા કરવા માંગે છે, હું ટ્રેનમાં છું અને વાતચિત નહી કરી શકું, મે જેમતેમ કરી ફોન મેળવ્યો છે, મારા માતા-પિતા કશું જાણતા નથી અને મારુ અપહરણ કરાયુ છું, હું અત્યારે વોશરૂમમાં છુ અને તે વ્યકિત તે મારી હત્યા કરશે, પ્લીઝ મને કોલ કરો હું રાહ જાેઈ રહી છું ’. પિડિતાએ હત્યાની દહેશત વ્યક્ત કરી હોય રેલવે પોલીસે આપઘાત અને બળાત્કાર બાદ હવે હત્યાની થિયરી પર પણ તપાસ શરૂ કરી છે.

ડાયરીના પાના કોણે ફાડ્યા? તેનું રહસ્ય હજુ અકબંધ

યુવતીએ ૨૯મી ઓક્ટોબરની મોડી સાંજે તેનું બે યુવકોએ અપહરણ કર્યા બાદ તેને વેક્સીન ઈન્સ્ટીટ્યુટના મેદાનમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ તેઓએ હિન્દી ભાષામાં કેવી રીતે અંદરોઅંદર વાર્તાલાપ કર્યો હતો તે સમગ્ર ઘટનાક્રમ ડાયરીમાં વર્ણવ્યો છે અને આ ડાયરીના આધારે જ બળાત્કારનો ઘટસ્ફોટ થયો છે. જાેકે ડાયરીના છેલ્લા પાનાઓમાં પિડીતાએ આરોપીઓના સગડ મળે તેવો પણ ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે પરંતું તે પાના ફાડી નાખવામાં આવ્યા હોવાનું સપાટી પર આવતા આ પાના કોણે અને કેમ ફાડી નાખ્યા છે તેનું રહસ્ય હજુ સુધી પોલીસને મળી શક્યું નથી.

સંજીવ શાહે પીડિતાએ મોકલેલા અંતિમ મેસેજ અંગે કેમ ગુપ્તતા સેવી?

બળાત્કાર પિડીતાએ મહારાષ્ટ્ર જવા માટે ગત ૩જી નવેમ્બરના રાત્રે ગુજરાત ક્વીન એક્સપ્રેસના કોચ ડી-૧૨માં ફાંસો ખાઈ આપઘાત કર્યો તે અગાઉ તેણે રાત્રે ૧૧.૩૧ વાગે ટ્રેનના ટોયલેટમાંથી સંસ્થાના સર્વેસર્વા મનાતા સંજીવ શાહને મદદ માટે મેસેજ મોકલ્યો હતો. આ ચકચારભર્યા બનાવમાં રાજયનું પોલીસ તંત્ર આરોપીઓને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યું છે જેની ખુદ સંજીવ શાહને પણ જાણ હશે તેમાં કોઈ બેમત નથી પરંતું તેમ છતાં તેણે પિડિતાનો આ અંતિમ મેસેજ અંગે પોલીસને જાણકારી આપવાના બદલે કેમ ગુપ્તતા સેવી તે અંગે અનેક રહસ્યો સર્જાયા છે. પિડિતાની માતાએ આ મેસેજની જાણકારી આપ્યા બાદ હવે દોડતી થયેલી પોલીસે આ મેસેજ અંગે સંજીવ શાહની પુછપરછ કરી હતી જેમાં તેણે એવો બચાવ કર્યો હતો કે તેણે રાત્રે આ મેસેજ જાેયો નહોંતો. ઉલ્લેખનીય છે કે પિડિતાનો આ ગંભીર મેસેજ જાેયા બાદ પણ સંજીવે ફોન કરવાના બદલે ‘ તું ક્યાં છે ?’ તેવો વળતો મેસેજ કરી વાત પુરી કરી હતી.

પીડિતાની સાઈકલ હજુ સુધી પોલીસને મળી નથી

મળતી વિગતો મુજબ ઓએસીસ સંસ્થા દ્વારા તેઓની સંસ્થામાં ફેલોશીપ કરતા વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે જે તમામ સાયકલો રાત્રે એક જ સ્થળે જમા કરવામાં આવે છે તેમજ તેની મરામત પણ એક જ દુકાનમાં કરવામાં આવે છે. બળાત્કાર અગાઉ પિડિતા પણ સાયકલ પર જતી હતી તે સમયે તેની સાયકલને ટક્કર મારી અકસ્માત કર્યા બાદ તેનુ અપહરણ કરાયું હતું. જાેકે આ ઘટના બાદ બળાત્કાર પિડિતાની સાયકલ ભેદી સંજાેગોમાં ઘટનાસ્થળેથી ગાયબ થઈ ગઈ છે જે પોલીસને હજુ સુધી મળી શકી નથી.

ઓએસીસ સંસ્થાના ૧૯ હોદ્દેદારો-કાર્યકરોની પૂછપરછ

રેલવે પોલીસે ઓએએસીસ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ હોદ્દેદારો અને પિડિતાના સહાધ્યાયીઓ સાથે અત્યાર સુધી કુલ ૧૯ લોકોની પુછપરછ કરી તેઓના વિગતવાર નિવેદનો મેળવ્યા હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું. આ ઉપરાંત પિડિતાના આપઘાત અગાઉ બે વખત કોલ થયાની વિગતોના પગલે પોલીસે આ બંને કોલધારકોની તપાસ કરી હતી જેમાં ઈમરાન નામના યુવકના પોલીસને સગડ મળ્યા છે જયારે બીજાે કોલ ઓનલાઈન ફુડ સપ્લાયરનો હોવાની વિગતો મળી છે.