અમદાવાદ-

અમદાવાદમાં હજી સામાન્ય વરસાદ છે આ સામાન્ય વરસાદમાં રોડ ધોવાણ અને ખાડા પડવા ની સમસ્યા સામે આવી છે. અમદાવાદમાં 10 હજાર જેટલા રોડ ધોવાણ અને ખાડા પડવાનું ખુદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ જણાવ્યુ છે. આ રોડ ધોવાણની ફરિયાદ એક પછી એક આવતા રોડ પર પેચવર્ક કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં જ્યાં પણ રોડ ધોવાય છે કે નાના મોટા ખાડા પડ્યા છે તે જગ્યાઓ પર ડામર નાખીને એ રોડ પર થીગડા મારવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એક અઠવાડિયામાં 2 હજાર જેટલા ખાડા કોર્પોરેશનએ પૂર્યા છે.

અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે પ્રસ્થાપિત થઈ છે પરંતુ સામાન્ય વરસાદ આવતા જ સ્માર્ટ નગરી ખાડા નગરીનું સ્વરૂપ ધારણ કરી લે છે. અમદાવાદમાં અલગ અલગ 7 ઝોનમાં 10899 જેટલા ખાડા અને રોડ ધોવાયા હોવાની ફરિયાદો મળી છે. ત્યારે એ એમ સી ના ઇજનેર વિભાગ દ્વારા રોડ પેચ વર્ક નું કામ કરવાનું શરૂ કરી દીધું છે હાલમાં 2 હજાર જેટલા રોડ પર થીગડા માર્યા છે અને 288 જેટલા ખાડા પૂર્યા છે. આ કામ જલ્દી જ પૂરું કરી દેવાની સૂચના પણ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા આપવામાં આવી છે. અમદાવાદમાં રોડ પર મારેલા આ થીગડાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકોની કમર તોડી નાખી છે.

તો બીજી તરફ સત્તાધીશોએ પોતાના બચાવ કરવાની શરૂ કરી દીધા છે અને કહી રહ્યા છે કે પાણી જો ડામર ને આડે તો તરત જ તે ઉખાડવાનું શરૂ કરી દેશે અને રોડ ધોવાઈ જાય છે. ચોમાસાની સિઝન છે એટલે પેચ વર્ક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ સત્તાધીશોએ પોતાના માનીતા કોન્ટ્રાકટરો ને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. અને તેમના પાસે યોગ્ય કામ લેતા નથી કોન્ટ્રાકટરો માનીતા હોવાથી તેની મનમાંની મુજબ કામ કરે છે. રોડ અને રસ્તાની કમિટીમાં પણ અનેક ફરિયાદો આવી છે. છતાં પણ કામ યોગ્ય રીતે કરવામાં આવતું નથી. યુનિવર્સિટી અને પૂર્વ વિસ્તારમાં નિકોલ ઓઢવ, વસ્ત્રાલ જેવા અનેક જગ્યા પર રોડ ધોવાઈ ગયા છે જ્યાં પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે.

મનપામાં હાલમાં કોઈ વિપક્ષ નેતા નથી જેના કારણે સર્વ સત્તા ભાજપના નેતાઓ ભોગવી રહ્યા છે અને પોતાની મનમાની મુજબ કામ કરી રહ્યા છે. જ્યારે પણ રોડ અને રસ્તાની બાબતમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ રજૂઆત કરે તો તેમણે ચૂપ કરવી દેવામાં આવે છે. જનરલ બોર્ડની મિટિંગમાં પણ તેઓને બોલવા દેવામાં આવતા નથી. બીજી તરફ પોતાના માનીતા લોકોને કામ આપવાની ને તેમણે મનપાની તિજોરી પણ ખાલી કરી દીધી છે. કેટલાક મનપાના સૂત્રો પણ જણાવી રહ્યા છે કે રોડ અને રસ્તાની કામગીરી મનપા પાસે નાણાં નહીં હોવાના કારણે થઈ રહ્યા નથી.