ગાંધીનગર, ગુજરાત ચૂંટણી પંચ દ્વારા આગામી મહિનામાં રાજ્યની ૧૦૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૧૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજવામાં આવે તેવી સંભાવના છે.સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ રાજ્યની ૧૦ હજાર જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને એક હજાર જેટલી ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીને આગામી ડિસેમ્બરમાં યોજવામાં આવે તે માટેનું આયોજન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં ૧૦ હજાર જેટલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવશે. આની સાથોસાથ એક હજાર જેટલી ગ્રામ પંચાયતોની પણ પેટા ચૂંટણીઓ યોજવામાં આવશે. એટલું જ નહીં સૌથી મહત્વની બાબત એ છે કે, આ ચૂંટણીઓમાં મતદાન ઇવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. કારણ કે, ૧૧ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં એક સાથે આટલાં બધા ઇવીએમ મશીન ઉપલબ્ધ થઈ શકે તેમ નથી. જેના કારણે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે તેવી સંભાવના છે. આ ચૂંટણીઓ અંગે ચાલુ મહિનાના એટલે કે, નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે.