રાજપીપળા, તા.૧૨

 ડેડીયાપાડા તાલુકામાં મગન જાતરીયા વસાવાએ (રહે.સામોટ) પોતાની પત્ની સીતાબેનને નજીવી બાબતે બોલાચાલી બાદ મોહબુડી (ઉપલી) ગામની સીમમાં આવેલ આશનબાર વિસ્તારના ખેતરમાં કાચા ઘરમાં ગળામાં દોરડા વડે ટુપો આપી હત્યા કરી હતી.આ કેસમાં કોર્ટ આરોપી પતિને આજીવન કેદની સજા ફટકાર્યાં બાદ પતિએ નર્મદા જિલ્લા જેલમાં આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.હવે મગન જાતરીયા વસાવાએ આત્મહત્યા કરી છે કે જેલમાંથી ભાગવા જતાં નીચે પટકાતા એનું મોત નીપજ્યું છે એ સવાલ વચ્ચે રાજપીપળા પોલીસ મથકમાં આત્મહત્યાની ફરિયાદ નોંધાઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ મા મગન વસાવા પત્નીની આત્મહત્યા મુદ્દે રાજપીપળાની જેલમાં ૫ મહિના રહ્યો હતો જાે કે બાદમાં એને જામીન મળી ગયા હતા.ત્યાર બાદ ૧૦/૦૮/૨૦૨૩ ના રોજ એ કેસના ચુકાદ દરમિયાન કોર્ટ મગનને આજીવન કેદની સજા ફટકારી હતી. જાે કે કેવી સજા થઈ છે બાબતે મગનને જાણ કરાઈ ન્હોતી, પણ પોલીસ જાપ્તા સાથે એને રાજપીપળા જેલમાં લઈ અવાયો હતો.રાજપીપળા જેલમાં ૨ વર્ષ સુધીના કેદીઓને રાખવાની મર્યાદા છે, એનાથી વધુ સજા પામેલા કેદીઓને વડોદરા જેલમાં મોકલવાના હોય છે.જેથી બીજે દિવસે ૧૧ મી એ સવારે મગનને આજીવન કેદ થઈ હોવાની જેલના કર્મચારીઓએ જાણ કરી હતી.વડોદરા ખાતે એનો મેડિકલ રિપોર્ટ મોકલવાનો હોવાથી ચેક અપ માટે સવારે ૧૦ કલાકે રાજપીપળા સિવિલ હોસ્પિટલ લવાયા બાદ ૧૧ઃ૩૦ વાગે મગનને પરત જેલમાં લવાયો હતો.૧૧ઃ૩૦ થી બપોરે ૩ વાગ્યા સુધી એ બેરેકમા જ હાજર હતો.પરંતું ટી બ્રેક દરમિયાન એણે સમય સૂચકતા વાપરી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.

રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મગને યાર્ડ ૧ અને બેરેક નંબર ૨ ની પાછળના ભાગે આવેલ પ્લાસ્ટિકની પાઈપ પર ચઢી નીચે પડતું મૂક્તા ગંભીર ઈજાઓને કારણે મોત નિપજ્યું હતું.તો બીજી બાજુ મગને આજીવન કેદની સજાને લીધે આત્મહત્યા કરી છે કે જેલ માંથી ભાગવાની કોશિશ કરતાં આ ઘટના ઘટી હશે એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.આ તમામની વચ્ચે મગનના પરિવારજનો સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા જેલ ખાતે આવી પહોંચ્યા હતા.બાદમાં મગનના મૃતદેહને સુરત ખાતે પેનલ પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો હતો.