વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની હાઈપ્રોફાઈલ અને રાજકીય રંગે રંગાયેલી ચૂંટણીમાં રવિવારે પપ.૩૪ ટકા મતદાન થયા બાદ આજે હાથ ધરાયેલી મતગણતરીમાં ટેકનોલોજી અને કોમર્સ ફેકલ્ટીમાં ભાજપાના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતની ફોજ ઉતારનાર શહેર ભાજપા પ્રમુખ ઊંધા માથે પછડાયા હતા. તેમાંય કોમર્સમાં તો કોંગ્રેસપ્રેરિત ઉમેદવારો ઐતિહાસિક મતોના માર્જિનથી જીત મેળવી હતી. જાે કે, ચૂંટણીમાં સત્તાધારી જૂથનું પલડું ભારે રહ્યું હતું. વિજેતા ઉમેદવારોએ આતશબાજી અને ડી.જે. સાથે રેલી યોજીને વિજયોત્સવ મનાવ્યો હતો.

પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી એમ.એસ.યુનિ.ની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની ૯ બેઠકો માટે સત્તાધારી જૂથ ટીમ એમ.એસ.યુનિ. તેમજ ભાજપાની સંકલન સમિતિ વચ્ચે સીધો જંગ હતો. જાે કે, આ બંને જૂથે ત્રણ બેઠકો પર કોમન ઉમેદવારો આપ્યા હતા. આ ત્રણ બેઠકો પર કોંગ્રેસપ્રેરિત ઉમેદવારોનું સીધું આહ્‌વાન હતું. જાે કે, શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહે ખાસ કરીને કોમર્સના ઉમેદવાર સુશાંત મખીજાની અને ટેકનોલોજીના ઉમેદવાર કશ્યપ શાહને જીતાડવા માટે ભાજપાના કાર્યકરો અને નેતાઓની ફોજ ઉતારી હતી. જાે કે, તમામ પ્રયાસો છતાં રવિવારે યોજાયેલા મતદાનમાં પપ.૩૪ ટકા મતદાન થયું હતું.

આજે યુનિ. હેડ ઓફિસ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રતિષ્ઠાનો જંગ બનેલ કોમર્સ અને ટેકનોલોજી ફેકલ્ટીમાં કાર્યકરોની ફોજ ઉતારનાર શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ ઊંધા માથે પછડાયા હતા. જ્યારે ટેકનોલોજી ફેકલ્ટીમાં પણ નરેન્દ્ર રાવતનો ૮૮ મતે વિજય થયો હતો. આમ, આ બે બેઠકો માટે જ પૂરી તાકાત લગાડનાર ડો. વિજય શાહની જીદે ભાજપાની આબરૂ લીધી હોવાનો ગણગણાટ ભાજપામાં જ હવે શરૂ થયો છે.

જ્યારે અન્ય ફેકલ્ટીઓમાં પણ સત્તાધારી જૂથ ટીમ એમ.એસ.યુ.નું પલડું ભારે રહ્યું હતું. યુનિ. હેડ ઓફિસ ખાતે મતગણતરીના પ્રારંભ સાથે જ ઉમેદવારોના ટેકેદારોના ટોળેટોળાં એકઠાં થયાં હતાં અને જેમ જેમ એક એક ફેકલ્ટીના પરિણામો જાહેર થતાં યુનિ. હેડ ઓફિસ ખાતે જ આતશબાજી અને ગુલાલ ઉડાડીને વિજેતા ઉમેદવારો અને ટેકેદારોએ એકબીજાને શુભેચ્છા આપીને વિજયની ખુશી વ્યક્ત કરી હતી.

જાે કે, કેટલાક ઉમેદવારોએ ડી.જે. સાથે રેલી યોજીને વિજયોત્સવ મનાવ્યો હતો. આમ, ભારે રસાકસીભર્યો જંગ બનેલી સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની ચૂંટણી કોઈપણ વિવાદ વગર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં યુનિ. સત્તાધીશોએ હાશકારો અનુભવ્યો હતો.

કઈ ફેકલ્ટીમાં કોને કેટલા મત મળ્યા

આર્ટસ

ઉમંગ ગુપ્તે ૧૪૭

પરેશ રાજપૂત ૨

દેવેન્દ્ર સુરતી ૪

દિનેશ યાદવ ૮૬૬

કોમર્સ

માનસિંગ ભોંસલે ૪

મહેશ કુમાર છાનન ૮૪

અમર ઢોમસે ૯૪૫

સુશાંત મખીજાની ૨૮૮

ટેકનોલોજી

મિતેન કુમાર પટેલ ૧૭

નરેન્દ્ર રાવત ૭૮૫

કશ્યપ શાહ ૬૯૭

લૉ

કિશોરકુમાર લાલાક્રિષ્ણન ૧૫૭

મનોજકુમાર દરજી ૧૨૦

અવધૂત સુમંત ૫૦૨

શૈલેષ વ્યાસ ૧૫૦

ફાઈન આર્ટસ

હેતલ પરીખ ૬૦

બિપીન પટેલ ૮૩

ચંદ્રશેખર પાટીલ ૫૪

કોમ્યુનિટી સાયન્સ

અભિલાષા અગ્રવાલ ૧૩૩

સ્વાતિ ખુરાના ૬૯

સોશિયલ વર્ક

કપીલ જાેશી ૩૬૦

જયમેશ ઓઝા ૮

અર્જુનસિંહ સોલંકી ૨૨૧

પર્ફોર્મિંગ આર્ટસ

નિલેશ મોહિતે ૮૦

વિનોદ પટેલ ૧૬૯

ફાર્મસી

હાર્દિક કુમાર બ્રહ્મભટ્ટ ૧૧૯

હસમુખ વાઘેલા ૨૩૨

કોમર્સ ફેકલ્ટીમાં ઐતિહાસિક વિજય

સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીમાં કોમર્સ ફેકલ્ટીમાં કોંગ્રેસપ્રેરિત ઉમેદવાર અમર ઢોમસેએ ૬૫૭ મતોના માર્જિન સાથે ઐતિહાસિક જીત મેળવી હતી. આ ચૂંટણીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે તેમની ટીમ અને મિત્રવર્તુળો સાથે એક જણે ૧૦ મતદારો લાવવાજી સ્ટ્રેટેજી બનાવી હતી અને જે સ્ટ્રેટેજી કામ કરી ગઈ અને ભાજપાપ્રેરિત સંકલન સમિતિના ઉમેદવાર સુશાંત મખીજાની માટે શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહે સંગઠન, ભાજપા નેતાઓની ફોજ ઉતારવા છતાં મોદીના ફોટા સાથે પ્રચાર કરનાર સુશાંત મખીજાનીને મતદારોએ માખીની જેમ કાઢી મૂકયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.

ટેકનો.માં રાવત અને આર્ટસમાં યાદવનો સતત ૫મી વખત વિજય

એમ.એસ.યુનિ.ની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીના ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં આર્ટસ ફેકલ્ટીમાંથી સેનેટ સભ્ય તરીકે ચૂંટણી લડી રહેલા દિનેશ યાદવનો અને ટેકનોલોજી ફેકલ્ટીમાંથી ચૂંટણી લડી રહેલા નરેન્દ્ર રાવતનો સતત પાંચમી વખત વિજય થયો હતો. દિનેશ યાદવનો ૭૧૯ મતે અને નરેન્દ્ર રાવતનો ૮૮ મતે વિજય થયો હતો.

બંને જૂથના કોમન એવા ત્રણેય ઉમેદવારોનો પરાજય!

ભાજપા સમર્થિત સંકલન જૂથ અને સત્તાધારી ટીમ એમ.એસ.યુ. દ્વારા કોમર્સ, સોશિયલ વર્ક અને ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમન ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. આ ત્રણેય બેઠકો પર જીત માટે ભાજપાનું સમગ્ર સંગઠન, ચૂંટાયેલા સભ્યો સહિત તમામે એડીચોટીનું જાેર લગાવી દીધું હતું. પરંતુ આજે જાહેર થયેલા પરિણામોમાં બંને જૂથની કોમન એવા ત્રણેય ઉમેદવારોનો પરાજય થયો હતો અને કોમર્સમાં તો શરમજનક હારનો સામનો કરવો પડયો હતો.

ટેકનોલોજીમાં

ડો.વિજય શાહનું સ્ટેટમેન્ટ ભારે પડયું?

ટેકનોલોજી ફેકલ્ટીમાં નરેન્દ્ર રાવત અને શહેર ભાજપાપ્રેરિત ઉમેદવાર કશ્યપ શાહ વચ્ચે સીધો જંગ હતો. આ બેઠક પણ શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ માટે પ્રતિષ્ઠાનો જંગ હતી. પરંતુ જિગર અમારો ઉમેદવાર નથી અને ટીમ એમ.એસ.યુ. સાથે લેવાદેવા નથી તેવું શહેર ભાજપા પ્રમુખે આપેલ સ્ટેટમેન્ટ ભારે પડયું હોય તેમ નરેન્દ્ર રાવતની ૮૮૫ મત સાથે પાંચમી વખત જીત થઈ હતી અને કશ્યપ શાહને ૬૯૭ મત મળ્યા હતા.

ડો.દિનેશ યાદવને પોતાનો નહીં ગણીને ભૂલ કરી?

ટીમ એમ.એસ.યુ. અને ભાજપા પ્રરિત સંકલન સમિતિની યાદીમાં કોમર્સ, ટેકનોલોજી અને સોશિયલ વર્ક ફેકલ્ટીના ઉમેદવારોના નામ બંને યાદીમાં કોમન હતા, પરંતુ વરસોથી ભાજપાની વિચારધારા સાથે સંકળાયેલા આર્ટસ ફેકલ્ટીના મજબૂત ઉમેદવાર દિનેશ યાદવના નામનો ભાજપાપ્રેરિત ઉમેદવારોની યાદીમાં સમાવેશ કરાયો ન હતો. આજે જાહેર થયેલા પરિણામોમાં દિનેશ યાદવે ૭૧૯ મતે ભવ્ય જીત મેળવી હતી. ત્યારે દિનેશ યાદવને ભાજપાપ્રેરિત યાદીમાં સ્થાન નહીં આપી ડો. વિજય શાહે ભૂલ કર્યાની ચર્ચા યાદી જાહેર કરી ત્યારે અને આજે મતગણતરી બાદ પણ શરૂ થઈ હતી.

કોઈપણ પક્ષના પીઠબળ વગર કપિલ જાેશીએ મેળવેલી જીત પોતાની વ્યકિતગત તાકાતની જીત ગણાવી

યુનિ.ના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો અને ખૂટતા ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત મુદ્દે સતત અવાજ ઉઠાવનાર અને કોઈપણ પક્ષના પીઠબળ વગર સોશિયલ વર્કસ ફેકલ્ટીમાંથી સેનેટની રજીસ્ટર્ડ ગ્રેજુએટની કેટેગરીની ચૂંટણીમાં ઝંપલાવનાર કપીલ જાેષીને હરાવવા ભાજપ પ્રેરીત સંકલન સમિતી અને સત્તાધારી ટીમ એમ.એસ.યુ. દ્વારા કોમન ઉમેદવાર અર્જુનસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યો હતો. પરંતુ રસાકસી ભરેલા જંગમાં કપીલ જાેશીને ૩૬૦ મત અને અર્જુનસિંહ સોલંકીને ૨૨૧ મત મળતા કપીલ જાેશીનો ૧૩૯ મતે વિજય થયો હતો. આ કેટેગરીની ચૂંટણીમાં કપિલ જાેશીએ મેળવેલી જીત ખરેખર પોતાની વ્યકિતગત તાકાત પર મેળવેલી જીત ગણાય છે.

શિક્ષિત મતદારોને ૫ણ મતદાન કરતાં ન આવડયું ?ઃ ૭૩ મત રદ

સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા મતદારો મતદાન કરે છે પરંતુ આજે રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ૯ બેઠકો પર હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં વિવિધ ફેકલ્ટીઓના કુલ ૬૪૨૮માંથી ૭૩ મત રદ થયા હતા. જેમાં સૌથી વધુ રર મત લૉમાં અને કોમર્સ ફેકલ્ટીમાં ૧૭ મત, જ્યારે કોમર્સમાં ૧૧, ટેકનોલોજીમાં ૧૦, ફાઈન આર્ટસમાં ૪, કોમ્યુનિટી સાયન્સમાં ૩ અને પર્ફોર્મિંગ આર્ટસમાં ૩, સોશિયલ વર્કસમાં ર અને ફાર્મસીમાં ૧ મત અમાન્ય ઠર્યો હતો.

ફટાકડા ફોડતાં બે ઝાડમાં આગ લાગતાં અફરાતફરી મચી

યુનિ. હેડ ઓફિસ ખાતે હાથ ધરાયેલ મતગણતરીમાં પરિણામો જાહેર થતાં ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. દરમિયાન ફટાફડાનો તણખો ઉડીને ઝાડ પર પડતાં એક ઝાડમાં આગ ફાટી નીકળી હતી, જેને લઈને મતગણતરી સ્થળ પાસે દોડધામ સાથે અફરાતફરી મચી ગઈ હતી. એક ઝાડમાં લાગેલી આગ બાજુના બીજા ઝાડમાં પણ પ્રસરી હતી. જાે કે, સ્થળ પર હાજર પોલીસ જવાનોએ ફાયર એસ્ટિગ્યુટરથી ફોર્મનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચતાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.