અંબાજી : પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, ઉલ્લાસ અને ભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી યોજાઇ હતી. નવરાત્રિ પ્રસંગે માઇભક્તો સરળતાથી માતાજીના સરસ દર્શન કરી શકે તથા કોરોના સંદર્ભે સરકારની માર્ગદર્શિકાનું પણ પાલન થાય તે માટે બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવી હતી. કોવિડ-૧૯ અન્વયે સરકારશ્રીની માર્ગદર્શિકાનું પાલન કરાવવા રેલીંગ વ્યવસ્થામાં ઠેરઠેર સેનેટાઇઝર તથા ટેમ્પ્રેચરની તપાસણી અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવામાં આવ્યું હતું. નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ અંબાજી ખાતે માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે નવરાત્રિ પ્રસંગે ગાયત્રી શક્તિતીર્થ અંબાજીના સહયોગથી યોજાયેલ વ્યસનમુક્તિ અભિયાનમાં ૧૦૪૩ યાત્રિકોએ વ્યસનમુક્ત થવા માતાજીના ચરણોમાં સંકલ્પ લીધા હતા. નવરાત્રિ દરમ્યાન દેશ, વિદેશમાં વસતા માઇભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે કલેકટરઆનંદ પટેલની સુચના પ્રમાણે માતાજીની સવાર અને સાંજની આરતી ટ્રસ્ટની વેબસાઇટ અને સોશ્યલ મિડીયા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. વિશ્વના ૧૪ દેશોમાં વસતા ૨૯.૫૦ લાખથી વધુ ભક્તોએ માતાજીના ઓનલાઇન દર્શન કર્યા હતાં. આસો સુદ આઠમના પાવન પ્રસંગે માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર ખાતે તેમજ મંદિરના ચાચર ચોકમાં દાંતાના પૂર્વ મહારાજા દ્વારા પરંપરાગત મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો તથા વિશ્વકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મળેલ વિગતો અનુસાર નવરાત્રિ દરમ્યાન ૨૨,૨૫૬ યાત્રિકોએ ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે રાહતદરે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ૧,૬૭,૭૬૨ જેટલાં પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે. આ પ્રસંગે અંબાજી ટ્રસ્ટને રૂ.૧,૩૪,૧૫,૮૨૫/- ભેટ સ્વરૂપે આવક થઇ છે. નવરાત્રિ દરમ્યાન માઇભક્તો દ્વારા અંબાજી ટ્રસ્ટને ૧૧૨૬.૯૯૦ ગ્રામ સોનાની અને ૧૮૨૪.૮૧૦ ગ્રામ ચાંદીની દાન સ્વરૂપે પ્રાપ્તજ થયું છે. નવરાત્રિ પ્રસંગે સૌ પ્રથમ વખત અંબાજી મંદિરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ભવ્ય રોશની કરવામાં આવી હતી.