વડોદરા : બૂટલેગર પાસેથી માર નહીં મારવાની અને પાસાની ધમકી આપી દોઢ લાખ પડાવી લેવાના સિટી પોલીસ મથકના ચકચારી મામલામાં બૂટલેગરના પરીવારજનોએ આજે પો.કર્મીને લેખીતમાં ફરિયાદ કરી હતી. રૂા.૧.૫૦ લાખ પડાવી લેનાર પો.કર્મી કૌશીક સાથે સસ્પેંડેડ પો.કર્મી કિરીટસિંહે પણ રૂપિયા લીધા હોવાની રજૂઆત પરિવારજનોએ કરી છે. એ બરતરફ થયેલ પો.કર્મી નિયમીત રીતે સિટી પોલીસ મથકમાં બેસી તોડબાજી કરતો હોવાનું માનવામાં આવે છે. 

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી ઉપરાંત અસામાજીક પ્રવૃત્તીઓ ઉપર કાબુ મેળવવા માટે કડક મતાના પોલીસ કમીશ્નર ડો.સમશેરસિંગની નિમણૂંક થઇ છે ત્યારે અત્યાર સુધી મોટો ભ્રષ્ટ્રાચાર અને સત્તાનો દુર ઉપયોગ કરનાર પો.કર્મી અને અધિકારીઓ વિરૂદ્ધ અનેક રજૂઆત આગામી દિવસોમાં થશે એમ માનવામાં આવે છે ત્યારે આજે બૂટલેગર શૈલેષ પટેલના ભાઇ, પત્ની, માતા, ભાભી સાથે પોલીસ ભવન પહોંચી લેખીત ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી હતી.

લેખીત ફરિયાદમાં પી.સી.બી.એ શૈલેષ ઉર્ફે લાલો મહેન્દ્ર પટેલને ઝડપ્યા બાદ પ્રથમ કારેલીબાગ પોલીસ મથક અને બાદમાં સિટી પોલીસ મથકે એની તપાસ હાથ ધરતાં વહીવટદાર કૌશીક અને કિરીટસિંહે પાસા નહીં કરવા માટે બૂટલેગરના ભાઇ જયેશ પાસે દોઢ લાખ રૂપિયાની માગ કરી હતી અને વચેટીયા દિનેશને આ રૂપિયા આપી દેવા માટે અસંખ્યવાર ફોન કર્યા હતાં. મહત્વની વાતતો એ છે કે, ટુકડે ટુકડે અપાયેલા રૂા.૧.૫૦ લાખમાં એકવારતો ૩૦ હજારની ચુકવણી ગુગલ-પેથી કરવામાં આવ્યા હતાં. બૂટલેગરના પરિવારજનોએ ૧.૫૦ લાખ રૂપિયા કૌશીક, કિરીટસિંહ અને પી.સી.બી.ના દેવેન્દ્રને આપી દીધા હોવા છતાં પાસાનો હુકમ થતા છંછેડાયેલા બૂટલેગરના પરિવારજનોએ આ ત્રણેયની કરતુતો પો.કર્મીને જણાવી એમની સામે કડક કાર્યવાહીની માગ કરી છે. હવે જાેવાનું એ રહ્યું કે પોતાના જ તંત્રના ભ્રષ્ટ્રાચારી પો.કર્મીઓ સામે નવ નિયુક્ત ડો.સમશેરસિંગ શુ કાર્યવાહી કરે છે.

સસ્પેન્ડેડ પોલીસ કર્મી હજુ પણ પોલીસ સ્ટેશનમાં નિયમિત ફરજ બજાવી રહ્યો છે

બરતરફ થયેલા કિરીટસિંહ નામના પો.કર્મીની સિટી પોલીસ મથકમાં નિયમીત હાજરી અને ટેબલ ખુરશીમાં બેસી કરવામાં આવતી કામગીરી મામલે સિટી પી.આઇ.અજાણ હોવાનું માની શકાય એમ નથી. ખરેખરતો કિરીટસિંહ પો.મથકમાં આવીને માત્ર વહીવટના કામો અને તોડબાજીની જ ગોઠવણો કરતો હોય છે એવું માનવામાં આવે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ જાે તપાસ કરે તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે એમ છે.